શાળામાં એક દિકરી સાથે અત્યાચારઃ કેટલાક છોકરાઓએ પકડીને શરીર પર ડામ આપ્યા!

પાટણમાં અમદાવાદની સેવન્થ-ડે સ્કુલમાં જે ઘટના બની હતી બીલકુલ એવી જ એક ઘટના બની છે. સરસ્વતી તાલુકાના ચોરમાપુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-8ની વિદ્યાર્થિની પર સહપાઠી વિદ્યાર્થીઓએ અમાનુષી વર્તન કર્યાનો આરોપ છે. ફરિયાદ અનુસાર, વિદ્યાર્થિનીને બે વિદ્યાર્થીઓએ પકડી રાખી, જ્યારે ત્રીજાએ તેના હાથ પર બ્લેડથી ચેકા મારી લાઇટરથી ડામ આપ્યો. આ દરમિયાન અન્ય ત્રણ સહપાઠીઓના હાથ પર પણ ઘા માર્યાની માહિતી મળી છે.

છેડતી અને હિંસાત્મક વર્તનથી હેબતાઈ ગયેલી વિદ્યાર્થિનીએ ઘરે જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો. બાદમાં પરિવારજનો દ્વારા તાત્કાલિક આ વિદ્યાર્થીનીને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અત્યારે વિદ્યાર્થિનીની સારવાર હેઠળ હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

વિદ્યાર્થિનીના પિતાએ શાળાના શિક્ષકો અને આચાર્ય પર ઉદાસીનતા અને જવાબદારી ન નિભાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું કે શિક્ષકો છોકરાઓના વર્તન પર ધ્યાન આપતા નથી અને CCTV ફૂટેજ માંગતા આચાર્યએ પાસવર્ડ યાદ ન હોવાનું બહાનું આપ્યું હતું.

પરિવારે ન્યાય અને શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. સ્થાનિક આગેવાનોએ પણ 24 કલાકમાં કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે, જ્યારે આ ઘટના પછી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

Share This Article
Translate »