Exclusive_ Videos! ગુજરાતના આ ગામના લોકો એક મહિનાથી પૂરના પાણીમાં રહેવા મજબૂર છે

ગુજરાત ભાજપના નવનિયુક્ત બિનહરીફ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે તેમના ગુજરાત ભ્રમણની શરૂઆત બનાસકાંઠામાં આવેલી અંબાજી શક્તિપીઠથી કરી. પાર્ટી માટે આ ખૂબ સારી વાત હોઈ શકે, કે માતાજીના આશિર્વાદ લઈને ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ પાર્ટીને આગળ ધપાવવાનો પ્રયાસ કરે. પરંતુ તેઓ જે પ્રદેશમાં જઈને તેમના કાર્યની શરૂઆત કરે છે તે પ્રદેશની અને તે જિલ્લાની પરિસ્થિતિ છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી શું છે? ત્યાંના લોકો કેવી કપરી પરિસ્થિતિમાં જિંદગી જીવી રહ્યા છે? તે વાતની તેમને કદાચ ખબર નહીં હોય અને ખબર હશે તો આ વિષય કદાચ સામાન્ય લાગતો હશે. છેલ્લા એક મહિનાથી અહીંયાના ગામોમાં વરસાદી પાણી સુકાયા નથી, અહીંયાના લોકો અત્યારે પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ખાવા-પીવાની પણ કોઈ જ વ્યવસ્થાઓ નથી, શાક-ભાજી, કઠોળ, ફળ-ફળાદી આ બધું ક્યાંથી લાવવું કારણ કે વરસાદી પાણી એક મહિના પછી પણ જેમના તેમ ભરાયેલા છે. જીવન જ જીવી ન શકાય તેવી જટીલ સમસ્યાઓથી કંટાળીને આ લોકો બીજા ગામમાં હિજરત કરવા મજબૂર બન્યા છે. બાળકોનું ભણતર, સ્વાસ્થ્ય અને અન્ન-પાણી જેવી પાયાની સુવિધાઓથી આ લોકો વંચીત છે. આ ગામોના લોકો માટે દિવાળી ઉજવવી અને આનંદ કરવો એ તો દૂરની વાત છે. તેમની મૂળભૂત જરૂરીયાતો ક્યારે પૂરી થશે, ગામ ફરીથી ક્યારે પહેલા જેવી સ્થિતિ થશે તેના વિશે પણ તેઓ અસમંજસમાં છે. પ્રદેશ24 ગુજરાતીની ટીમે બનાસકાંઠાના અંતરિયાળ ગામોનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો છે. ત્યાંની દયનિય સ્થિતિનો ચિતાર રજૂ કર્યો છે. શું ભાજપના નવા ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખને આ ગામોની વાસ્તવિકતાનો કોઈ ખ્યાલ છે ખરા?

અહીંયા પ્રસ્તુત છે, પ્રદેશ24 ગુજરાતીનો સ્પેશિયલ અને એક્સક્લુઝીવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ… આ રિપોર્ટમાં તમને બનાસકાંઠાના લોકોની વ્યથા સાંભળવા મળશે અને સાથે જ એ દ્રશ્યો પણ આપ જોશો કે, કેવી વરવી સ્થિતિમાં આ લોકો જીવન જીવી રહ્યા છે!

 

ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલો ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો. આ વર્ષે ચોમાસામાં મેઘરાજાએ અહીંયા તારાજી સર્જી હતી. એટલો બધો વરસાદ પડ્યો હતો, ગામોના ગામો ડુબી ગયા હતા, જમીનો અને ખેતરોનું ધોવાણ થયું હતું અને મોટી સંખ્યામાં પશુઓ પણ મૃત્યુને ભેટ્યા હતા. વાવ-થરાદ જિલ્લાના સરહદી સૂઈગામ, વાવ, ધરણીધર, ભાભર અને થરાદ તાલુકાઓમાં 6, 7 અને 8 સપ્ટેમ્બરે સતત ત્રણ દિવસ વરસેલા અતિભારે વરસાદ અને વાવાઝોડાના કારણે પૂરની અતિ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અતિભારે વરસાદના કારણે સરહદી વિસ્તારના તમામ ગામોમાં નીચાણવાળા ભાગોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.અસંખ્ય પશુઓના પણ મોત નીપજ્યા.ખેતરોમાં માથા સમા પાણી ભરાઈ જવાના કારણે વાવેતર કરેલ ઉભા પાકો બળીને નાશ પામી ગયા હતા. અહીંયા અતિભારે વરસાદે લોકાના જીવનને રીતસરનું સ્ટોપ કરી દિધું હતું અને હવે આ લોકો સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય હજી સુધી પહોંચાડવામાં નથી આવે અને આ લોકો અત્યારે સાવ નોંધારા બની ગયા છે.

જો કે, વરસાદે વિરામ લીધાને તો એક મહિના જેટલો સમય વિતી ગયો છે પરંતુ ગાંધીનગર જેવા ગ્રીન સીટીમાં એસી ઓફિસોમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ સુધી આ ગામલોકોની સમસ્યાઓ પહોંચી શકી નથી. હજી કેટલાય લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે, કેટલાક ખેતરોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે. ગામમાંથી ખેતરોમાં જવાના તમામ રસ્તાઓ પાણી ભરાઈ જવાથી બંધ થઈ ગયા છે. ગામોમાં અને ખેતરોમાં પાણી નિકાલની યોગ્ય કામગીરી કરવામાં આવી નથી,જેને લઈ જમીનો ક્ષારયુક્ત થવા લાગી છે. જો લાંબા સમય સુધી હજી પાણી ભરાઈ રહેશે તો, ક્ષારના કારણે આ ખેડૂતોની જમીનો બિનઉપજાઉ અને બિનઉપયોગી થઈ જશે, તેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.
વાવ થરાદ જિલ્લાના વહીવટી તંત્રની ઢીલી કામગીરીના કારણે પૂરની પરિસ્થિતિના એક માસ થવા છતાં હજુ સુધી કેટલાય પરિવારો કેશડોલ્સ અને ઘરવખરી તેમજ પશુમૃત સહાયથી વંચિત છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સુઈગામ સહિત પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઈ આવ્યા છે પરંતુ હજી પણ ખેડૂતો અને પશુપાલકો માટે કોઈ સહાય પેકેજની જાહેરાત કરવામાં નથી આવી અને એટલે જ અહીંના ખેડૂતો, પશુપાલકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

વાવ થરાદ જિલ્લામાં સૌથી વધારે પૂરથી દસથી વધારે ગામો પ્રભાવિત થયા છે. આ ગામોમાં આસુઆ, ભરડવા, ભાટવર જેવા 10 જેટલા ગામોનો સમાવેશ થાય છે. પ્રદેશ24 ગુજરાતીની ટીમ જ્યારે આ ગામની મુલાકાતે પહોંચી તો અમારી ટીમના સભ્યોની આંખ સામે જે દ્રશ્યો હતા તે ખરેખર અંતર આત્માને રડાવી મૂકે તેવા હતા. ભરડવા ગામના ચારસો પરિવારોના મકાનો આજે પણ પાણીમાં ડૂબેલા છે. ગામમાં મોટી સંખ્યામાં પશુધન પૂરમાં મોતને ભેટ્યું છે.પશુપાલકોની હાલત દયનીય બની છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોના ઉભા પાક નાશ પામ્યા છે. સેંકડો હેક્ટર જમીન ધસમસતા પૂરના પાણીમાં ધોવાઈ ગઈ છે. પાણીમાં ડૂબેલા ઘરોમાં રહેલી ઘરવખરી અને અનાજ નાશ પામ્યા છે. શાળાઓ અને સરકારી દવાખાનાઓમાં પણ પાણી ભરાયેલા છે. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા પાણી ભરાઈ રહેવાથી બંધ છે. લોકો ગામથી ખેતરોમાં જવા માટે પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. ભાટવર ગામની પણ હાલમાં વરવી સ્થિતિ છે, ગામના સીતેર પરિવારો ગામતળમાં વસવાટ કરે છે, તે સમગ્ર વિસ્તાર જળમગ્ન છે, બાળકોને શાળાએ જવું હોય તો કેડ સમા પાણીમાંથી અવર જવર કરવી પડે છે, શાળાએ ચાલીને પાણીમાંથી પસાર થતા બાળકો અને ગામલોકોને ચામડીના રોગ થવાની પણ ચિંતા વધી છે. આસુઆ ગામમા પ્રેવેશવાનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગામમાં ઘરો સુધી પૂરના પાણી આજે પણ છે. જે ઘરોમાં પાણી ઓસર્યા છે, ત્યાં મહિલાઓ ઘરમાં પડેલી ઘરવખરી અને ભેજવાળા અનાજને સરખું કરતી નજરે પડી હતી.ગામના પશુપાલકો, ખેડૂતોની અને પૂર પીડિતોની હાલત ખરાબ છે, આસુઆ ગામના સરપંચ જણાવી રહ્યા છે, કે લોકો હેરાન છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો,પશુઓ મારી ગયા,લોકો સહાયથી વંચિત છે. લોકોને ગામની બહાર જવું હોય તો ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે. સૌથી મોટી ચિંતા આ લોકોને એ સતાવી રહી છે કે, કદાચ અડધી રાત્રે કોઈ ઈમરજન્સી ઉભી થાય તો અમારે આવી સ્થિતિમાં શું કરવું?

આ સિવાય અહીંયાના ખેડૂતોને વાવેલો પાક નિષ્ફળ જતાં ખેડૂતો પાસે હવે આવકનું કોઈ સાધન રહ્યું નથી. જનતાની આવી સ્થિતિ હોવા છતાં પોતાને સંવેદનશીલ ગણાવતી સરકારે હજુ કોઈ પૂર પેકેજ જાહેર ના કરતાં દિવસ ઉગેને થરાદ,વાવ અને સુઈગામ તાલુકાના ગ્રામજનો કેશડોલ, ઘરવખરી, પશુ મૃત્યુ,જમીન ધોવાણ સહાય,મકાન સહાયની રજૂઆતો સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્રો આપી રહ્યા છે. મુશ્કેલીમાં મુકાયેલી બિચારી જનતા, વારંવાર સરકારી કચેરીમાં જઈને આવેદનપત્રો આપી રહી છે, પરંતુ જાડી ચામડીના બની ગયેલા સરકારી બાબુઓની ઉંઘ ઉડતી જ નથી. ટૂંકમાં સ્થિતિ જોતા એવું લાગે છે કે, આ સરકારી અધિકારીઓ વિચારી રહ્યા છે, જનતાનું જે થવું હોય તે થાય, પણ અમે સરકારી પગારે મોજ કરીશું અને જ્યાં તક મળશે ત્યાં ભ્રષ્ટાચાર આચરીને મલાઈ ઘરેભેગી કરતા રહીશું. જે ગામોમાં સૌથી વધારે પૂરે તારાજી સર્જી હતી, તે ગામોના લોકોનો નવરાત્રીનો તહેવાર તો બગડ્યો છે, અને હવે આવનાર દિવાળીના તહેવારો બગડશે તે નક્કી છે. ત્યારે આ ગામલોકો સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે, સરકાર તેમને મદદ કરે અને દિવાળીના દિવા તેમના ઘરમાં પણ પ્રગટે અને તેમના ઘરમાં પણ ખુશીઓના અજવાળા ફેલાય.

બનાસકાંઠાથી રાજેશ રાવલનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, પ્રદેશ24 ગુજરાતી

Share This Article
Translate »