ટાટા ગ્રુપમાં કલેશઃ સરકાર સુધી પહોંચ્યો મામલો, અમિત શાહ સાથે થઈ બેઠક

દેશના સૌથી મોટા વ્યાપારી ઘરાનામાંથી એક ટાટા ગ્રુપમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. આ દાવો અમે નથી કરી રહ્યાં, પરંતુ એક રિપોર્ટમાં જણાવાયું છે કે ટોચના નેતૃત્વમાં આંતરિક મતભેદોની ગ્રુપ પર અસર પડી રહી છે. આ મામલો સરકાર સુધી પણ પહોંચી ગયો છે. એક રિપોર્ટ મુજબ, સરકારે ટાટા ગ્રુપના નેતૃત્વને ટાટા ટ્રસ્ટમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે કહ્યું છે.

અમિત શાહ સાથે એક કલાક ચાલી બેઠક!

રિપોર્ટ મુજબ, આંતરિક મતભેદોને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ, જે લગભગ એક કલાક સુધી ચાલી. આ બેઠકમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પણ હાજર હતાં અને તેમણે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોયલ ટાટા, વાઇસ ચેરમેન વેણુ શ્રીનિવાસન, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન તેમજ ટ્રસ્ટી ડેરિયસ ખંબાટા સાથે ચર્ચા કરી. તેમને કહેવામાં આવ્યું કે, આંતરિક મતભેદોની અસર ટાટા સન્સ પર બિલકુલ પણ ન પડે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

‘કંઈપણ કરો, પણ સમસ્યાનું સમાધાન કરો!’

સરકાર એ બાબતને લઈને ખૂબ ચિંતિત છે કે ટ્રસ્ટીઓ વચ્ચેના મતભેદો ગ્રુપની કંપનીઓના શાસન અને વ્યવસ્થાપનમાં પણ ફેલાઈ શકે છે. રિપોર્ટ મુજબ, સરકારની તરફથી ટાટાના ટોચના મેનેજમેન્ટને કોઈપણ રીતે સ્થિરતા જાળવવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે એવું કોઈ નિશ્ચિત પગલું લેવું જોઈએ, જેથી ટાટા સન્સના વ્યાપક કામકાજ પર કોઈ અસર ન પડે. એટલું જ નહીં, એવા કોઈ પણ ટ્રસ્ટીને દૂર કરવાનું પણ સૂચન આપવામાં આવ્યું હતું, જે ગ્રુપના કામકાજને અસ્થિર કરી શકે.

ટાટામાં મતભેદોને લઈને સરકાર ગંભીર

સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે જેથી ટ્રસ્ટ પોતાના મતભેદોને આંતરિક રીતે અને વિવેકપૂર્વક, કોઈ પણ પ્રકારના ટકરાવ કે તણાવ વિના ઉકેલી શકે. રિપોર્ટ અનુસાર, આ બેઠક બાદ ટાટા ગ્રુપના ચારેય પ્રતિનિધિઓએ મુંબઈ પરત ફરતા પહેલાં એક ટૂંકી આંતરિક ચર્ચા પણ કરી હતી. ત્યારબાદ એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે તેઓ બધા ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર બે દિવસીય સ્મરણ સમારોહમાં ભાગ લેશે, જેમનું 9 ઓક્ટોબર, 2024ના રોજ બીમારીને કારણે અવસાન થયું હતું.

આઝાદી પહેલાંથી ટાટાનો દબદબો

ટાટા ગ્રુપની શરૂઆત આઝાદી પહેલાં, વર્ષ 1868માં થઈ હતી. આજે દેશને મીઠાથી લઈને લક્ઝરી કાર સુધી આપનાર આ ગ્રુપનો દરેક ક્ષેત્રમાં દબદબો છે. આઈટી ક્ષેત્રમાં દેશની સૌથી મોટી કંપની ટાટા ગ્રુપની ટીસીએસ છે, તો ધાતુ ક્ષેત્રમાં ટાટા સ્ટીલ, ઓટોમોબાઈલમાં ટાટા મોટર્સ, અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં ઇન્ડિયન હોટેલ ગ્રુપ જેવી મોટી કંપનીઓ સામેલ છે. એર ઈન્ડિયા દ્વારા જ્યાં ટાટા ગ્રુપ એવિયેશન ક્ષેત્રમાં મોટું નામ છે, ત્યાં વાહનોના મામલે જેગુઆર અને લેન્ડ રોવર બ્રાન્ડ પણ ટાટાના હાથમાં છે.

Share This Article
Translate »