વડોદરા શહેરનો બાજવા બ્રિજ, જેનું રૂ. 39 કરોડના ખર્ચે બે વર્ષ પહેલાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, હવે વિવાદના વાવાઝોડામાં સપડાયો છે. બ્રિજનો બાજવા ગામ તરફ જતો એપ્રોચ રોડ અચાનક બેસી જતાં રસ્તા પર મોટો ખાડો પડ્યો છે, જેના કારણે વાહનવ્યવહાર જોખમી બની ગયો છે. આ બ્રિજ વડોદરાના બાજવા અને આસપાસના વિસ્તારોને જોડતો મહત્વનો માર્ગ છે, જેથી રોજ હજારો લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે.
પ્રાથમિક માહિતી મુજબ, બ્રિજ પરથી સતત પસાર થતા ભારે વાહનોના ટ્રાફિકને કારણે પાયામાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, માત્ર બે વર્ષમાં જ રસ્તાનો ભાગ બેસી જવો એ બાંધકામની ગુણવત્તા અને ઉપયોગમાં આવેલી સામગ્રી પર ગંભીર સવાલો ઊભા કરે છે. જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે, તો વરસાદ અને સતત ટ્રાફિકના દબાણથી વધુ નુકસાન થવાની આશંકા છે.
આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકો અને નેતાઓએ આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયાની શંકા વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે, કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી જો બે વર્ષમાં જ બ્રિજનો ભાગ બેસી જાય, તો તે સ્પષ્ટપણે બેદરકારી અને ખોટી ગુણવત્તાનું પરિણામ છે. આ ઘટના બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે, તે વાતનો પુરાવો આપે છે.
નાગરિકોએ વડોદરા મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવાની માંગ કરી છે. ટેન્ડર પ્રક્રિયા, બાંધકામની દેખરેખ અને ગુણવત્તા નિયંત્રણ અંગેની વિગતવાર તપાસ કરી, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ તો વાત થઈ, એક બ્રિજની… પરંતુ ગુજરાતમાં ઘણાય એવા બ્રિજ છે કે, જેનો જન્મ ભ્રષ્ટાચારની કુખમાંથી થયો છે, ત્યારે તંત્ર જલ્દી જ આવા બ્રિજને રિવ્યુ કરે અને તાત્કાલીક સમારકામ કરાવે તો, આવનારા સમયમાં ઘટનારી ઘણી બધી દુર્ઘટનાઓથી બચી શકાશે, અને લોકોના જીવ પણ બચી શકે છે.