રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હાલ એક કફ સિરપને કારણે હાહાકાર મચેલો છે. અહીં આ કફ સિપર પીવાથી કુલ 17 બાળકોના મોત થયા છે. આ આખી ઘટનાને લઈને દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારે આ ઘટનામાં જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આ તમામની વચ્ચે ગુજરાતની કેટલીક કંપનીઓ પર પણ રાજ્ય સરકાર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી-લાઈફ અને રેસ્પિફ્રેશ ટીઆર નામનાં કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આ બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા આદેશ કર્યો છે. આ બંને સિરપની છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન ખેંચાય ત્યાં સુધી સમગ્ર પ્રોસેસ પર ધ્યાન રાખવા FDCAના અધિકારીઓને આદેશ કરાયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ સિવાયની જે કંપનીઓ કફ સિરપ બનાવે છે એની પણ ગુજરાત સરકાર દ્વારા તપાસ કરી પ્રમાણિત કરાશે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 17 બાળકનાં મોત બાદ હોબાળો મચ્યો છે. એની વચ્ચે ગુજરાતની કંપનીમાં બનેલા રી-લાઈફ અને રેસ્પિફ્રેસ ટીઆર નામના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ બંને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં હાલ 624 ઓરલ લિક્વિડ (કફ સિરપ સહિત) દવાઓ બનાવતી પેઢીઓ કાર્યરત છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યના તમામ મદદનીશ કમિશનરોને તાત્કાલિક તેમના વિસ્તારમાં આવેલી કંપનીઓ અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરવા આદેશ અપાયા છે. તપાસમાં ખાસ કરીને પાણીની ગુણવત્તા, કાચા માલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ, અને સેમ્પલિંગ પ્રક્રિયાની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. દરેક પેઢીમાંથી ઓરલ લિક્વિડ દવાઓના ઓછામાં ઓછા પાંચ નમૂનાઓ લઈ વડોદરા લેબોરેટરીમાં સત્વરે તપાસ મોકલાશે.
સુરેન્દ્રનગરની મેસર્સ શેપ ફાર્મા પ્રાઈવેટ લિમીટેડ અને અમદાવાદની મેસર્સ રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડને પહેલેથી જ દવાનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બંને પેઢીઓને ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ દવાઓનો જથ્થો બજારમાંથી તાત્કાલિક રીકોલ કરવાનો પણ કડક હુકમ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દવાઓની ટ્રેસેબિલિટી સિસ્ટમ મજબૂત કરવા પણ તૈયારીમાં છે, જેથી ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં એક પણ અસુરક્ષિત બેચ માર્કેટમાં ન રહે. રીકોલની પ્રક્રિયા FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ રહેશે.આ તપાસ ઝુંબેશ માત્ર બે કંપની સુધી મર્યાદિત નથી, પરંતુ રાજ્યની સમગ્ર ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે એક ચેતવણીરૂપ બની છે. હવે ગુણવત્તા ધોરણોમાં થોડી પણ ખામી સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ ઉદ્યોગને અપાયો છે.
26થી 28 સપ્ટેમ્બર દરમિયાન છિંદવાડા જિલ્લામાં ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેડિકલ અને હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી. આ સમયે કુલ 19 દવાનાં સેમ્પલ એકત્ર કરવામાં આવ્યાં હતાં અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં ગાઈડલાઈન અનુસાર, કફ સિરપમાં મહત્તમ 0.1 ટકા ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ હોવું જોઈએ, પરંતુ તપાસમાં 4 કફ સિરપ નક્કી માપદંડમાં ફેલ થયાં હતાં. આ સિરપથી કિડની ફેલ અને બ્રેઇન હેમરેજ જેવી સ્થિતિ પેદા થવાનું જોખમ રહે છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ બંને કફ સિરપનો જેટલો પણ જથ્થો ગુજરાતના બજારમાં ઉપલબ્ધ છે, તે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. બજારમાંથી સંપૂર્ણ રીતે આ કફ સિરપનો જથ્થો પરત ન ખેંચાય ત્યાં સુધી FDCA આખી પ્રક્રિયામાં સતત ધ્યાન આપશે.
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા ગત તા. 3 થી 5 ઓક્ટોબર, 2025 દરમિયાન આ બંને પેઢીઓની જોખમ-આધારિત સંયુક્ત તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ફેલ થતા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. છિંદવાડાના પરાસિયા વિસ્તારમાં વાયરલ તાવની સારવાર માટે સ્થાનિક ડૉક્ટરની સલાહ મુજબ બાળકોને આ સિરપ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. અનેક બાળકોને છિંદવાડા અને નાગપુરની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ 16 બાળકોને બચાવી શકાયા નહોતા. જોવાનું એ રહેશે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની સરકારી તંત્રની આ કાર્યવાહીથી કેટલો ફરક પડે છે.