એશિયા કપ 2025ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. પહેલા કુલદીપ યાદવે પાકિસ્તાનના મિડલ ઓર્ડરને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કર્યો, કુલદીપે 4 વિકેટ લીધી હતી. ત્યાર બાદ તિલક વર્માએ ટીમ ઇન્ડિયાને ખરાબ શરૂઆતમાંથી માત્ર બહાર જ ન કાઢી પરંતુ જીત સુધી લઈ ગયા. નિશ્ચિત રૂપે મોહસિન નકવીએ નફ્ફટાઈભરી હરકત કરતાં ટ્રોફી પોતાના સાથે લઈ ગયા, પરંતુ આમ છતાં ભારતીય ખેલાડીઓના જશ્નમાં કોઈ કમી જોવા મળી નહીં. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો.
ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રનની ઈનિંગ રમી, જેમાં તેમણે 4 છક્કા અને 3 ચોગ્ગા ફટકાર્યા. રિંકુ સિંહ આ ટુર્નામેન્ટમાં માત્ર એક બોલ રમ્યો, તેમાં પણ તેણે વિનિંગ શોટ ફટકાર્યો. ત્યાર બાદ તિલકે ઉત્સાહભર્યા અંદાજમાં ગ્રાઉન્ડ પર ખુશી મનાવતા જશ્ન મનાવ્યું, જ્યારે કેમેરો તેમની નજીક આવ્યો ત્યારે તેમણે બંને હાથથી V બનાવવાનો ઈશારો કર્યો.
તિલક વર્માનું 11-0 સેલિબ્રેશન
તિલક વર્માના આ સેલિબ્રેશન પર ચર્ચા શરૂ થઈ ગઈ. હકીકતમાં હારિસ રઉફે સુપર-4માં ભારતીય સમર્થકોને ચીડવવા માટે 6-0 નો ઈશારો કર્યો હતો. હવે તિલકના બંને હાથની આંગળીથી કરેલા ઈશારાને ફેન્સ 11-0 સાથે જોડીને જોઈ રહ્યા છે. ઓપરેશન સિન્દૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 11 એર બેઝને તબાહ કર્યા હતા.
અર્શદીપ સિંહે ઉતારી અબરાર અહેમદની નકલ
ભારતે માત્ર 20 રનના સ્કોરમાં જ ત્રણ વિકેટ ગુમાવી દિધી હતી. બાદમાં તિલક વર્મા અને સંજુ સેમસન વચ્ચે 57 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ જોડીને અબરાર અહેમદે તોડી, સંજુને આઉટ કર્યો પછી અબરારે બહાર જવાનો ઈશારો કર્યો. પરંતુ જીત બાદ ભારતીય ખેલાડીઓએ તેમને કરારો જવાબ આપ્યો. સંજુને સામે ઉભો રાખીને અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને જિતેશ શર્માએ અબરારની નકલ ઉતારી અને ખૂબ હસ્યા.
જસપ્રિત બુમરાહે કર્યો હારિસ રઉફનું પ્લેન ક્રેશ!
હારિસ રઉફના રૂપમાં પાકિસ્તાનની ઇનિંગની નવમી વિકેટ પડી, જસપ્રિત બુમરાહે તેને બોલ્ડ કર્યો. આઉટ કર્યા પછી બુમરાહે પ્લેન ક્રેશનો ઈશારો કરતાં હારિસને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો.
પાકિસ્તાનના ક્રિકેટ એક્સપર્ટ્સ ટીમ પર ભડક્યા
ભારત સામે એશિયા કપ 2025નો ફાઈનલ મેચ હાર્યા પછી પાકિસ્તાની દિગ્ગજોના પોતાની જ ટીમ પર ગુસ્સે થયા હતા. શાહિદ આફ્રીદીએ કહ્યું કે નિરાશા તો છે, પરંતુ હું મારી ટીમની સ્થિતિ જાણતો હતો અને ભારતની ટીમની સ્થિતિ પણ. રમીજ રાજાએ ખેલાડીઓને આત્મમંથન કરવાની સલાહ આપી કે આ એ સમય છે જ્યારે તમને જાતને જ સવાલ કરવો જોઈએ કે ભૂલ ક્યાં થઈ રહી છે. ભૂલો વારંવાર થઈ રહી છે અને તેને સુધારવાની જરૂર છે.