નવરાત્રિને શક્તિની ઉપાસના માટે સમર્પિત તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર દેવી દુર્ગા અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાનો ખાસ સમય માનવામાં આવે છે. જો કે આજની પેઢી તહેવારની માન અને મર્યાદાનું ભાન ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક યુવાનોએ આ તહેવારને માત્ર ડાન્સ ફેસ્ટિવલ બનાવી દિધો છે, જ્યારે ગરબા એ મર્યાદામાં રહીને રમાવાના હોય છે. સૌથી મોટી વાત એ છે કે, નવરાત્રીમાં ગરબા ગાવાની સાથે-સાથે માતાજીની આરાધના અને ઉપવાસ પણ કરવાના હોય છે.
વડોદરામાં યુનાઈટેડ વેનું પ્રસિદ્ધ ગરબા આયોજન થાય છે. જો કે, આના આયોજકો અને આયોજનને લઈને ઘણીવાર વિવાદો સામે આવતા રહે છે. ત્યારે વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં એક યુવક-યુવતીએ જાહેરમાં અશ્લીલ વિડીયો બનાવ્યો છે. ગરબામાં પણ યુવક યુવતીઓ રમવા નહીં પણ રિલ બનાવવા જતા હોય તેવું લાગી રહ્યું છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં કપલે શરમ નેવે મુકીને રિલ બનાવી હતી. આ વીડિયોની ચારેકોર ચર્ચા થઈ રહી છે.
વડોદરામાં યુનાઈટેડ-વેના પ્રસિદ્ધ ગરબામાં કપલની અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ થયો છે.યુવક-યુવતીએ ભાતીગળ સંસ્કૃતિ લાંછન લગાડતો વીડિયો બનાવ્યો છે. જેમાં ગરબાના મેદાનમાં રિલ બનાવવા માટે લાજ-શરમ અને લજ્જા નેવે મુકી દીધી છે. ખેલૈયાઓથી ભરાયેલા મેદાનમાં યુવક-યુવતીએ અશ્લીલ વીડિયો બનાવ્યો છે, જે વાયરલ થતાં જ હડકંપ મચી ગયો છે.
વીડિયો વાયરલ થતા ખેલૈયાઓ અને લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. ગરબાના પંડાલમાં જ કપલ ચુમાચાટી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક યુવતીને પહેલા કિસ કરે છે અને પછી ઉંચકીને ફરી એક વખત કિસ કરે છે. ગરબા મેદાનમાં પવિત્રતા જળવાતી ન હોવાનો આયોજકો પર સવાલ ઉભા થયા છે, તેમજ આયોજકો સામે કડક કાર્યવાહીની લોકમાગ ઉઠી છે.વીડિયા સામે આવ્યા પછી અન્ય યુવાનો પણ ગેરમાર્ગે દોરાય તેવી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.