સમગ્ર ગુજરાતમાં આજથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સફાઈ અભિયાનના ભાગરૂપે આરોગ્ય પ્રધાન અને ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન તેમજ અમદાવાદના પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલે, ગુજરાત યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં અવારનવાર કોઈને કોઈ એવી ઘટના બને છે કે જેનાથી સમગ્ર સંકુલને લાંછન લાગે. આજે પણ એક એવી ઘટના બની છે. આજે યુનિવર્સિટી કેમ્પસમાં હાથ ધરાયેલ સફાઈ અભિયાન દરમિયાન આરોગ્ય પ્રધાનના હાથે દારૂની ખાલી બોટલ ચડી હતી.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કામ હાથ ધર્યું ત્યારે તેમના હાથે દારુની બોટલ હાથ લાગી હતી. ઋષિકેશ પટેલે સહેજ અસહજ થઈને દારુની બોટલ ઉપાડીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આપી દે છે. આ સમયે સૌ કોઈના ચહેરા પર ગ્લાનિ અને સૌ અસહજ જણાય છે. છોભિલા પડી ગયેલા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ જમીન પર પડેલી દારુની ખાલી બોટલ ઉપાડીને યુનિવર્સિટીના કુલપતિને આપી હતી. કુલપતિએ પણ ગ્લાની સાથે દારુની ખાલી બોટલ હાથમાં લઈને કચરાના ઢગલામાં નાખીને મીડિયાથી સંતાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.