ગાંધીનગરના દહેગામના બહિયલમાં નવરાત્રી વચ્ચે બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુકવા બાબતે બબાલ મચ્યાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સામ-સામે ધાર્મિક ટીપ્પણીઓ બાદ મામલો બિચક્યો હતો. આક્ષેપ ઊઠી રહ્યા છે કે બહિયલમાં માની ગરબી ચાલી રહી હતી ત્યારે અચાનક જ વિધર્મીઓનું ટોળું ધસી આવ્યું હતું અને ગરબીમાં પથ્થરમારો કરી દીધો હતો. જેમાં કેટલાંક લોકોને ઈજા પણ પહોંચી છે.
મોટી સંખ્યામાં વિધર્મીઓનું ટોળું ધસી આવ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે. બહિયલમાંથી ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા. વિધર્મીઓના ટોળાએ બે થી ત્રણ દુકાનોને આગ લગાવી દીધી હતી. અને લૂંટ પણ ચલાવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં અનેક વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસના ધાડેધાડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તો ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ટીમ ઉપર પણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જો કે પોલીસે કડક પગલાં લેતા સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે. હાલ ગામમાં ચુસ્ત બંદોબસ્ત છે. પરંતુ વાતાવરણ ખૂબ જ તંગ છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. LCB, SOG સહિતની ટીમે અસામાજીક તત્વોને પકડવા કામગીરી હાથ ધરી છે.
ગુજરાતમાં પહેલા પણ થઇ હતી હિંસા
પરિસ્થિતિ હવે શાંતિપૂર્ણ છે. વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત છે. અગાઉ, ગુજરાતના વડોદરા અને ગોધરા શહેરોમાં વ્યાપક હિંસાના અહેવાલો મળ્યા હતા. મક્કા અને મદીનાની AI-જનરેટેડ છબીને કારણે હિંસા ભડકી હતી. આ છબી સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, લોકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનો પર હુમલો કર્યો હતો.
વિરોધીઓએ ગરબા પંડાલોમાં તોડફોડ કરી હતી અને વાહનોની બારીઓ તોડી નાખી હતી. ગોધરામાં પણ સોશિયલ મીડિયા પર એક ભડકાઉ વીડિયોના કારણે હિંસા ભડકી હતી.