જગદંબાનું પાવન પર્વ નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિના દરેક દિવસ દેવી દુર્ગાના અલગ-અલગ 9 સ્વરૂપોને સમર્પિત હોય છે. નવરાત્રિના 9 દિવસ સુધી 9 દેવીઓને 9 અલગ ભોગ લગાવવામાં આવે છે અને સાથે જ 9 દિવસ સુધી 9 અલગ-અલગ રંગના કપડાં પહેરવામાં આવે છે. આજે શારદીય નવરાત્રિનો બીજો દિવસ છે અને આ દિવસ મા બ્રહ્મચારિણીને સમર્પિત છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની વિધિવત પૂજા કરવામાં આવે છે અને તેમનો પ્રિય ભોગ ચડાવવામાં આવે છે. જો તમે પણ આજે વ્રત રાખ્યું છે, તો આ દિવસે માતા બ્રહ્મચારિણીની કથા જરૂર વાંચવી જોઈએ. તો આવો વાંચીએ બીજા નવરાત્રિની વ્રત કથા.
બ્રહ્મચારિણી માતાની કથા
પૌરાણિક કથા અનુસાર, પૂર્વ જન્મમાં માં બ્રહ્મચારિણી, રાજા હિમાલય અને દેવી મૈનાની પુત્રી હતાં. દેવર્ષિ નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કર્યું. તેમણે હજારો વર્ષો સુધી માત્ર ફળ-ફૂલ ખાધાં અને કેટલાંય વર્ષો સુધી ફક્ત શાકભાજી જ આરોગ્યા.
તે પછી માતા બ્રહ્મચારિણીએ સુકાં બિલ્વ પત્ર ખાઈને પણ તપ ચાલુ રાખ્યું. તેમના આ કઠિન તપના કારણે તેમનું શરીર ક્ષીણ થઈ ગયું અને તેમનું નામ તપશ્ચારિણી અથવા બ્રહ્મચારિણી પડ્યું. દેવતાઓ અને ઋષિઓએ તેમની તપસ્યાની પ્રશંસા કરી અને કહ્યું કે આ તપ તો માત્ર તમે જ કરી શકો છો અને હવે તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે.
આ કથાથી આ સંદેશ મળે છે કે જીવનમાં કેટલીય કઠિન પરિસ્થિતિઓ આવી જાય, પરંતુ મન કદી ડગમગાવું ન જોઈએ. મા બ્રહ્મચારિણીની કૃપાથી વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે. નવરાત્રિના બીજા દિવસે આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.