ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાત ભારતનું ખૂબ જ સુરક્ષીત રાજ્ય ગણાતું હતું પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ગાંધીનગરથી જે કિસ્સો સામે આવ્યો છે, તેણે ચકચાર મચાવી છે. ગાંધીનગરમાં કેનાલ પાસે ગાડીમાં બર્થ-ડે સેલીબ્રેશન કરતા એક કપલ પર એક વ્યક્તિએ હુમલો કર્યો અને ગાડીમાં મહિલા સાથે બેસેલા યુવકની હત્યા કરી નાંખી.
નવરાત્રીમાં ખૂણે ખાચરે બેસતા યુવાનો ચેતી જજો. કારણ કે, રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, એમાં પણ આ વખતે 10 નોરતાં છે. ગાંધીનગરથી જે કિસ્સો સામે આવ્યો છે જે ચોંકાવનારો છે અને ચેતવનારો પણ. ગઈ નવરાત્રિમાં કાયદો-વ્યવસ્થાના શરમજનક અનુભવ બાદ આ નવરાત્રિમાં યુવતીઓની સુરક્ષાને લઇને પોલીસ પર ખૂબ જ પ્રેશર છે. આ બધા વચ્ચે પોલીસ પણ મસમોટા દાવાઓ કરવામાં પાછી નથી પડતી, પરંતુ આ બધાની વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
ગાંધીનગરના અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક-યુવતી મોડી રાત્રે પોતાની કારમાં બર્થ-ડે સેલીબ્રેશન કરી રહ્યા હતા. ત્યાં જ એક વ્યક્તિ લૂંટના ઈરાદે તેમની કાર પાસે આવ્યો, યુવક-યુવતી બર્થ-ડે સેલીબ્રેશનમાં મસ્ત હતા અને આ શખ્સે આવીને યુવકને છરી બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો. બાદમાં યુવક અને યુવતીએ આ વ્યક્તિ સામો પ્રતિકાર કર્યો તો આ શખ્સે કંઈજ વિચાર્યા વગર છરી વડે હુમલો કરી દિધો.
ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે બની છે, જ્યાં એક યુવક-યુવતી મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થ ડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હાલમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની 15 ટીમોને એક્ટિવ કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ ATS પણ તપાસમાં જોડાઈ છે.
આ શરમજનક ઘટના બાદ ફરી એકવાર ગુજરાતની કાયદો-વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે. એક તરફ 2 દિવસ બાદ નવરાત્રિ શરૂ થઈ રહી છે. યુવક-યુવતીઓ મોડીરાત સુધી ઘરની બહાર રહેશે. ત્યારે રાજધાની ગાંધીનગરમાં જ જો યુવકની હત્યા થઈ જાય તો બાકીનાં શહેરોની તો વાત જ શું કરવી. ત્યારે નવરાત્રિના 10 દિવસ ગુજરાત પોલીસ આવાં લુખ્ખા તત્ત્વો પર કંઇ રીતે કાબૂ કરશે એ જોવું રહ્યું. આવી સ્થિતિમાં બસ એટલું જ કહેવું છે કે મા અંબા તું જ બચાવજે આ ગુજરાતને…
નર્મદા કેનાલ પાસે રાત્રિના સમયે બેઠા હતા એ સમયે હુમલો
પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતો વૈભવ મનવાણી તેની મિત્ર સાથે અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ પર રાત્રિના સમયે બેઠો હતો. આ દરમિયાન અજાણ્યો શખસ તેમની પાસે આવ્યો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુગલે પ્રતિકાર કર્યો ત્યારે હુમલાખોરે તેમના પર હુમલો કર્યો, જેમાં વૈભવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવતીને ગંભીર હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. હુમલા પછી આરોપી યુગલ પાસેથી કીમતી સામાન લૂંટીને નાસી ગયો હતો.