ગુજરાતમાં 8 ઈંચ સુધીના વરસાદની આગાહીઃ જાણો ક્યાં પડશે વરસાદ?

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી આપી છે. 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતનાના જુદા જુદા ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા છે. બંગાળ ઉપસાગર ની મજબૂત સિસ્ટમને લઈને આગામી દિવસમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે. કેટલાક ભાગમાં ચાર ઇંચ વરસાદ, તો કેટલાક ભાગમાં છ થી આઠ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

સુરતમાં વરસાદ
ચોમાસાના વિદાયની અંતિમ ઘડીએ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. સુરતના લિંબાયત, કતારગામ, ડુંભાલ અને યુનિવર્સિટી સહિતના રોડ પર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા. અનેક વિસ્તારમાં જળભરાવ થતાં વાહનો બંધ થઈ ગયા, જેના લીધે મુશ્કેલી ભોગવવનો વારો આવ્યો, સુરતમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આવા જ હાલ થાય છે. સુરતના કતારગામના કાસાનગર વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. છેલ્લા એક કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસતા લોકોની મુશ્કેલી વધી ગઈ.

મધ્ય ગુજરાતમાં વરસાદ
ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજાની ફરીથી ધમાકેદાર બેટિંગ જોવા મળી. યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે. પાવાગઢમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને બપોર બાદ અચાનક મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસતા અસહ્ય બફારાથી આંશિક રાહત મળી છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન થયું. ભારે વરસાદથી ગરબાના મેદાનમાં પાણી ભરાઈ ગયા,,જેના લીધે આયોજકોની ચિંતા વધી છે. સુભાનપુરા રામેશ્વર નગર ગરબા મેદાનમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં થોડાક જ વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે.

અમરેલીમાં વરસાદ
અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે મેઘરાજાનું આગમન થયું. ખાંભા ગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ખાંભાના ત્રાકુડા,ભૂડણી, જામકા, વાંગધ્રા અને નિંગાળા સહિત ગામોમાં મેઘરાજા મહેરબાન થયા. તો સાવરકુંડલા ના ગ્રામ્ય વિસ્તારમાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયું. સાવરકુંડલાના મોટા ભમોદરા, શેલણા અને રબારીકા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.

નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા
ઉપરવાસમાંથી 1 લાખ 77 હજાર 425 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે, જેથી ડેમના 10 જેટલા દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં 74 હજારથી વધુ ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 137 મીટર પર પહોંચી છે. 24 કલાકમાં નર્મડા ડેમની સપાટી 31 સેન્ટિમીટર વધી છે.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે વરસાદી માહોલ છવાઈ ગયો છે.સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં દિવસભર છૂટો છવાયો વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા.વાદળછાયા વાતાવરણ વચ્ચે હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.ત્યારે વરસાદને લઈને ખેલૈયાઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આગામી નવરાત્રી ઉત્સવોને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો પણ ભારે ચિંતિત થયા છે. દાદરા નગર હવેલીના સેલવાસમાં નવરાત્રી દરમિયાન વરસાદથી બચવા માટે ખાસ જર્મન ડોમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારે વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ મન ભરીને ગરબાનો આનંદ માણી શકે તે માટે વોટર પ્રુફ ડોમ અને મજબૂત પ્લાયવુડના પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ કારણે હવે વરસાદ ખેલૈયાઓના ઉત્સાહમાં ખલેલ નહીં પહોંચાડે.

Share This Article
Translate »