રશિયા બાદ ઈન્ડોનેશિયામાં ધરતી ધ્રુજીઃ બિલ્ડીંગો અને પૂલ ધરાશાયી!

ઈન્ડોનેશિયાના પૂર્વી પાપુઆ ક્ષેત્રમાં આજે ભૂકંપના જોરદાર આંચકાઓ આવ્યા છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, આ ભૂકંપ 6.1 ની તિવ્રતાનો હતો અને આનું કેન્દ્ર નબીરે શહેરથી આશરે 28 કિલોમીટર દક્ષિણમાં 10 કિલોમીટર ઉંડે સ્થિત હતું. National disaster mitigation એજન્સીના પ્રમુખ સુહાર્યંતોએ જણાવ્યું કે, નબીરે શહેરમાં ઓછામાં ઓછા બે મકાન અને એક મુખ્ય પુલ પડી ગયો. આ સિવાય એક સરકારી ઓફિસ, ગિરજાઘર અને એરપોર્ટને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. જો કે, રાહતની વાત એ રહી કે, આ ઘટનામાં કોઈને કોઈ મોટી હાની થઈ હોય એવા સમાચાર નથી.

ઈન્ડોનેશિયાના ભૂકંપ પછી લોકો ઝડપથી ઘરોમાંથી બહાર નીકળ્યા અને ઊંચી જગ્યાઓ તરફ દોડી ગયા. એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારી એ કહ્યું કે નબીરે અને આસપાસના ઘણા શહેરોમાં દૂરસંચાર સેવાઓ પણ પ્રભાવિત થઈ. ઈન્ડોનેશિયાની હવામાન અને ભૂભૌતિકીય એજન્સીએ સ્પષ્ટ કર્યું કે સુનામીનો કોઈ ખતરો નથી, કારણ કે ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર હતું. આ જ શહેર પહેલા પણ ભૂકંપની આફત ભોગવી ચૂક્યું છે. ફેબ્રુઆરી 2004માં આવેલા ભૂકંપમાં 30 લોકોના મોત થયા હતા અને સૈંકડો મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે એ જ વર્ષે નવેમ્બરમાં એક બીજા ભૂકંપમાં 32 લોકોના જીવ ગયા હતા. એજન્સી પ્રમુખ સુહાર્યંતોએ એક વીડિયો સંદેશામાં લોકોને આશ્વસ્ત કરતાં કહ્યું- ‘કુલ મળી પરિસ્થિતિ સુરક્ષિત અને નિયંત્રણમાં છે.’

રશિયા પણ ભૂકંપથી હચમચી ગયું

રશિયાના કામ ચાટકા દ્વીપકલ્પના પૂર્વી કિનારે શુક્રવાર સાંજે ધરતી ધ્રુજી હતી. રશિયાના સ્ટેટ જિયોફિઝિકલ સર્વે મુજબ, આ ભૂકંપ 7.4 તીવ્રતાનો હતો અને તેનું કેન્દ્ર પ્રાદેશિક રાજધાની પેટ્રોપાવ્લોવ્સ્ક-કામચાત્સ્કીથી અંદાજે 149 કિલોમીટર દૂર, 39 કિલોમીટરની ઊંડાઈમાં સ્થિત હતું. રાજ્યપાલ વ્લાદિમીર સોલોદોવે ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારો માટે સુનામી ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. કિનારાકાંઠાના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે અને બધી જ આપત્તિ સેવાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

પ્રારંભિક અહેવાલો મુજબ, હજુ સુધી કોઈ મોટા નુકસાન અથવા જાનહાનિની ખબર નથી. જોકે, હાઈડ્રોમેટ્રોલોજિકલ વિભાગના અંદાજ મુજબ, કેટલાક ભાગોમાં 1.5 મીટર સુધી ઊંચી તરંગો ઉઠી શકે છે. રાહતની વાત એ છે કે પેટ્રોપાવ્લોવ્સ્ક વિસ્તારમાં તરંગોની ઊંચાઈ 0.1 મીટરથી પણ ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભૂકંપ પછી સતત ઝટકા અનુભવાયા. સ્થાનિક જિયોફિઝિકલ સર્વે મુજબ, ઓછામાં ઓછા 10 આફ્ટરશૉક નોંધાયા જેમની તીવ્રતા 5 અથવા તેથી વધુ હતી.

Share This Article
Translate »