કથિત ‘વોટ ચોરી’ના આક્ષેપો બાદ કોંગ્રેસ હવે આ મુદ્દાને જીવંત રાખવા અને પોતાની મતબેંકને સુરક્ષિત કરવા માટે નવા અંદાજમાં મેદાનમાં ઉતરી આવી છે. રાહુલ ગાંધીે ‘વોટ રક્ષક અભિયાન’ની શરૂઆત કરી છે, જેને પાર્ટીએ પાયલટ પ્રોજેક્ટ તરીકે પાંચ લોકસભા બેઠકો પર લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસનો દાવો છે કે આ અભિયાનથી સંગઠનને મજબૂતી મળશે અને મતદાર યાદીમાં થતી ગડબડ પર સીધી નજર રાખી શકાશે.
કોંગ્રેસનું આ પગલું માત્ર હાલની પરિસ્થિતિ પર પ્રતિક્રિયા નથી, પરંતુ 2029 સુધીની રાજકીય વ્યૂહરચના પણ માનવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીનો ઈરાદો છે કે આ મુદ્દાને પાર્ટી લાંબા સમય સુધી ચર્ચાનું કેન્દ્ર બનાવી રાખે અને જનતામાં તેને લઈને જાગૃતિ વધારવામાં આવે.
પાયલોટ પ્રોજેક્ટ માટે કોંગ્રેસે એવી બેઠકો પસંદ કરી છે, જ્યાં પાર્ટી ખૂબ નાનકડા અંતરથી હારી હતી. તેમાં સામેલ છે.
• રાજસ્થાનની જયપુર ગ્રામિણ બેઠક
• રાજસ્થાનની અલવર બેઠક
• ઉત્તર પ્રદેશની સુરક્ષિત બેઠક બાંસગાંવ
• છત્તીસગઢની કાંકેરી બેઠક
• મધ્ય પ્રદેશની મોરૈના બેઠક
આ બેઠકો પર પાર્ટીની હાર થોડા હજાર વોટમાં સીમિત થઈ ગઈ હતી. કોંગ્રેસનું માનવું છે કે જો મતદાર યાદી સાથે છેડછાડ ન થઈ હોત તો તસવીર બદલાઈ શકતી હતી.
‘વોટ રક્ષક અભિયાન’ કેવી રીતે કામ કરશે?
• કોંગ્રેસે યોજના બનાવી છે કે જેમના વિધાનસભા વિસ્તારોમાં પાર્ટી સૌથી ઓછા મતોથી હારી છે, ત્યાંથી અભિયાન શરૂ થશે.
• દર 20 બૂથ પર એક વોટ રક્ષક તૈનાત કરવામાં આવશે.
• તેની જવાબદારી હશે કે તે મતદાર યાદી પર સતત નજર રાખે.
• જો નામ ઉમેરવા-કાઢવામાં ગડબડ દેખાય તો તે તરત ચૂંટણી પંચનો સંપર્ક કરશે.
• સમસ્યાનું સમાધાન ન થાય તો મામલો સીધો દિલ્હીની સુધી મોકલવામાં આવશે.
• આ વોટ રક્ષકોની નિમણૂક પહેલાથી કરવામાં આવશે જેથી તેમને પોતાના વિસ્તારમાં સમયસર સક્રિય કરી શકાય.
કોંગ્રેસનો હેતુ શું?
કોંગ્રેસનો ઈરાદો સ્પષ્ટ છે — કથિત વોટ ચોરીને લઈને પાર્ટી આવનારા વર્ષોમાં આને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવવા માંગે છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ માત્ર એક પ્રયોગ નથી, પરંતુ સંગઠનાત્મક મજબૂતીનું સાધન છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અભિયાન માત્ર 5 બેઠકો સુધી સીમિત નહીં રહે. ધીમે ધીમે તેને આખા દેશમાં ફેલાવવામાં આવશે. કોંગ્રેસનું માનવું છે કે આનાથી કાર્યકરોને જમીન સ્તરે સક્રિય રહેવાનો મોકો મળશે અને 2029ના લોકસભા ચૂંટણી સુધી આ વ્યૂહરચના અસર દેખાડી શકે છે.
2029ની તૈયારી કે તાત્કાલિક રાજનીતિ?
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે કોંગ્રેસ આ અભિયાન દ્વારા કોંગ્રેસ બે હેતુ સાધી રહી છે
• જનતા વચ્ચે એવો સંદેશ આપવો કે વોટ ચોરી થઈ હતી.
• પાર્ટીના કાર્યકરોને આવતા ઘણા વર્ષો સુધી આ મુદ્દા પર સંગઠિત રાખવા.
• એટલે કે આ માત્ર ચૂંટણી ગિમિક નથી, પરંતુ લાંબા ગાળાની યોજના છે, જે 2029 સુધી કોંગ્રેસની વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.