અરવિંદ કેજરીવાલના સરકારી બંગલા મુદ્દે આમ આદમી પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ઇચ્છે છે કે લોધી એસ્ટેટનો ટાઇપ VII બંગલો નંબર 35 અરવિંદ કેજરીવાલને આપવામાં આવે. આ બંગલો પહેલાં બસપા સુપ્રીમો માયાવતી પાસે હતો, જેને તેમણે મે 2024માં ખાલી કર્યો હતો. ‘આપ’એ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો તો કેન્દ્ર સરકારે ત્યાં કહી દીધું કે કેજરીવાલને જે બંગલો જોઈએ છે, તે તો 24 જુલાઈએ જ કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીને ફાળવી દેવામાં આવ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે અધિકારીઓને તલબ કર્યા. કહ્યું, એ નિયમ બતાવો, જેના હેઠળ આ બંગલા ફાળવવામાં આવે છે. સરકારી આવાસની ફાળવણી અધિકારીઓની મનમાની પર નહીં છોડી શકાય. તેના માટે પારદર્શક અને સ્પષ્ટ નીતિ હોવી જોઈએ.
‘આપ’ તરફથી આ અરજી દાખલ કરવામાં આવી હતી કે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં સરકારી બંગ્લો આપવામાં આવે. પાર્ટીનું કહેવું છે કે નિયમો મુજબ રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષને એક આવાસનો અધિકાર છે, પરંતુ સરકાર મનમાની કરી રહી છે. મામલાની સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ સચિન દત્તાએ કહ્યું, શું તેના માટે કોઈ પ્રક્રિયા ઉપલબ્ધ છે? હું જોવા ઈચ્છું છું કે પહેલા આ પ્રક્રિયા કેવી રીતે અમલમાં આવી. પ્રાથમિકતા કેવી રીતે નક્કી થાય છે, ફાળવણીનો ક્રમ શું છે? માનો કે બંગ્લાની સંખ્યા મર્યાદિત છે, તો તમે કેવી રીતે નક્કી કરો છો કે કોને મળશે? મનમાની પર ફાળવણી થઈ શકતી નથી. અદાલતે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના સંયુક્ત સચિવ અને ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટ્સના નિયામકને 25 સપ્ટેમ્બરે વર્ચ્યુઅલી હાજર થવાનો આદેશ આપ્યો.
કયો બંગલો બન્યો વિવાદનું મૂળ?
‘આપ’ ઇચ્છે છે કે લોધી એસ્ટેટનો ટાઈપ VII બંગલો નંબર 35 અરવિંદ કેજરીવાલને આપવામાં આવે. આ સરકારી બંગ્લાઓમાં બીજી શ્રેણીનો છે. તેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. મોટા મોટા રૂમ છે, સિક્યુરિટીનો ઇંતજામ ઘણો સારો છે. આ દિલ્હી ના સૌથી પ્રતિષ્ઠિત સરકારી રહેણાંક વિસ્તારોમાંના એકમાં આવેલો છે.