તાજેતરમાં જ અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની બેદરકારી છતી હતી. એક દંપતિ કે, જે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા અને રોડ પર પડેલા ખાડામાં પાણી ભરાયેલું હતું અને તેમાં પાસે રહેલા ખુલ્લા વિજતારોના કારણે કરંટ પ્રસરી રહ્યો હતો. મહિલા તેમાં પડ્યા અને તેમને કરંટ લાગ્યો અને તેમને બચાવવા તેમના પતિ પણ ગયા અને તેમને પણ કરંટ લાગ્યો અને બંન્ને જણાના મોત થયા હતા. આ મામલે પરિવારજનો અને સ્થાનિક લોકોમાં રોષ વ્યાપેલો હતો, જ્યારે મૃતકના પરિવારજનો આ મામલે કોર્પોરેશનની ઓફીસે ગયા ત્યારે ત્યાંના અધિકારીઓએ ઓફિસ બંધ કરી દિધી અને આ પરિવારની કોઈપણ રજૂઆત સાંભળી નહી. જે પરિવારે પોતાના વહાલસોયા ગુમાવ્યા તેમને પારાવાર દર્દ હતું, આંખો પોતાના વહાલસોયાની યાદમાં છલકાતી હતી, કરુણ આક્રંદ હતું અને સાથે જ કોર્પોરેશનની બેદરકારી સામે રોષ પણ હતો. પરિવારજનોએ તેમને ન્યાય અપાવવા અને સ્થાનિકોએ રોડ-રસ્તા તાત્કાલીક સરખા કરવા માટે ઉગ્ર રજૂઆત હતી અને સાથે જ જવાબદારો વિરૂદ્ધ કડક પગલા લેવામાં આવે તેવી પણ માંગ હતી. ત્યારે આ મામલે આખરે તંત્ર જાગ્યું છે, અને પાંચ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.
પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારીઓ સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં અધિકારીઓની બેદરકારીના કારણે મૃત્યુ માટે જવાબદાર ગણાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક રાજનની માતા હેતલબેન હરજીવનભાઈ સિંગલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હેતલબેને જણાવ્યું હતું કે, આ ઘટના સ્ટ્રીટ લાઈટના થાંભલાની જાળવણીમાં થયેલી બેદરકારીને કારણે બની હતી. અગાઉ, ત્યાં બે સ્ટ્રીટ લાઈટના થાંભલા કાઢી નાખવામાં આવ્યા હતા, પરંતુ તેમના ઇલેક્ટ્રિક વાયરોને યોગ્ય રીતે સીલ બંધ કરવામાં આવ્યા ન હતા. પરિણામે, વરસાદી પાણી ભરાતા વાયરો ખુલ્લા થઈ ગયા અને વીજ કરંટ ફેલાયો, જેના કારણે તેમના પુત્ર અને પુત્રવધુનું મૃત્યુ થયું.
ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, આ તમામની સ્ટ્રીટ લાઇટ થાંભલાની જાળવણી અને મરામત કરાવવાની સંપૂર્ણ જવાબદારી હતી, તેમ છતાં તેમની બેદરકારીને કારણે આ કરુણ ઘટના બની. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વરસાદી પાણીના ભરાવા અને ખુલ્લા વીજ વાયરોની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં રુદ્ર ગ્રીન રેસીડેન્સીમાં રહેતા હેતલબેન સિંગલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારા પતિ હરજીવનભાઈને ફેફસાના ઇન્ફેક્શનની બીમારી હોવાથી એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા. ટિફિન આપીને પરત ફરતી વખતે બંને પતિ-પત્ની કરંટનો ભોગ બની ગયા હતા.
પાંચ લોકોની ધરપકડ તો થઈ છે પરંતુ હજી પરિવારને આ મામલે થયેલી કાર્યવાહીથી સંતોષ થયો નથી. મૃતકના માતાએ જણાવ્યું કે, તમે મુખ્ય માણસો હોય એની ધરપકડ કરો અને યોગ્ય કાર્યવાહી કરો. કોર્પોરેશનની બેદરકારીના કારણે અમારા દિકરા અને પુત્રવધુનો જીવ ગયો છે તો હકીકતમાં જે જવાબદારો છે તેમની ધરપકડ કરવામાં આવે. સાથે જ મૃતકના માતાએ જણાવ્યું કે, જો આ મામલે અમને ન્યાય નહીં મળે તો અમે છેક દિલ્હી સુધી રજૂઆત કરવા માટે પહોંચીશું.
હજી તો ત્રણ મહિના પહેલા જ અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં દૂધવાળી પોળ પાસે સ્ટ્રીટ લાઈટના પોલથી કરંટ લાગવાના કારણે જસરાજ ગોયલ નામના એક યુવકનું મોત થયું હતું. આવી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ લાઈટના થાંભલાનું પ્રોપર મેઈન્ટેનન્સ કરવામાં આવતું નથી. આ ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટના થાંભલાની મેન્ટેનન્સની જવાબદારી મેસર્સ સન ટ્રેડિંગ કંપનીની હોવા છતાં પણ કંપનીએ સ્ટ્રીટ લાઈટના થાંભલાને અર્થિંગ આપેલું નહોતું અને અન્ય સુરક્ષા નહોતી રાખેલી, જેના કારણે કરંટ લાગતા યુવકનું મૃત્યુ થયું હતું. જેને લઇને મેસર્સ સન ટ્રેડિંગ કંપનીના માલિક ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ બેદરકારીનો ગુનો શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. જો કે, તમે માત્ર કોઈના પર ગુનો નોંધીને લોકો સામે એ સાબિત કરવા માંગો કે કાર્યવાહી થઈ છે. પરંતુ ગુનો નોંધ્યા બાદ જવાબદાર વિરૂદ્ધ નક્કર પગલા લેવાતા નથી.
16 જૂન, 2025ના રોજ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના ઘી કાંટા વિસ્તારમાં આવેલી દૂધવાળીની પોળ પાસે વરસાદી પાણી ભરાયેલા હતા અને વરસાદ પણ ચાલુ હતો. ત્યારે ઘી કાંટા વિસ્તારમાં પદ્માવતી કોમ્પ્લેક્સમાં ગારમેન્ટની દુકાનમાં નોકરી કરતો જસરાજ ગોયલ નામનો 21 વર્ષીય યુવક ત્યાંથી પસાર થતો હતો. આ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના થાંભલાનો કરંટ લાગતા બેભાન થઈને પાણીમાં પડી ગયો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલે જાણવાજોગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીઓ અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ ધરાવનારા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાથી મૃત્યુ થયું હતું.
ઈલેક્ટ્રીક થાંભલાના મેન્ટેનન્સની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનને મેસર્સ સન ટ્રેડિંગ કંપનીને આપી હતી. કંપનીની જવાબદારી હોવા છતા સ્ટ્રીટ લાઈટના થાંભલાને અર્થીંગ આપેલું નહોતું. સાથે જ જરૂરી સુરક્ષા રાખી નહોતી.અમદાવાદ શહેરમાં અંદાજે બે લાખથી વધારે સ્ટ્રીટ લાઈટના થાંભલા આવેલા છે, જેમાં મોટાભાગના થાંભલાઓની મેન્ટેનન્સ કામગીરી સમયસર ન થતી હોવાના કારણે બંધ હોવાની ફરિયાદો મળે છે. એક મહિનામાં 5,000થી વધારે સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ મેન્ટેનન્સના કારણે બંધ હોવાની ફરિયાદ મળે છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં પણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે થઈને એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા લાઈટ વિભાગના અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. અવારનવાર શો- કોઝ નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે. અધિકારી સામે વિજિલન્સ તપાસો આપીને કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને સાચવી લેવામાં આવે છે. લાઈટ વિભાગમાં મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં પણ ગરબડ થઈ હોવાને લઈને તપાસ સોંપવામાં આવી છે, પરંતુ હજી સુધી આ મામલે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
આ તો થઈ એક ઘટના, પરંતુ અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં રોડ-રસ્તાઓની હાલત ખરેખર કફોડી છે. ભારત દેશ અત્યારે એટલો આગળ વધી ગયો છે કે, જ્યારે આપણે અત્યારે ચંદ્રના દક્ષીણ ધ્રુવ સુધી પહોંચ્યા છીએ. ટેક્નોલોજીની દ્રષ્ટીએ પણ ભારતનું પ્રભુત્વ અત્યારે વિશ્વ આખુ જોઈ રહ્યું છે. ભારત અત્યારે વિશ્વગુરૂ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે કે, ભારતના સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદમાં જ રોડ રસ્તાની હાલત આવી હોય તો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા પરંતુ ખરાબ રોડ રસ્તાથી આપણને છુટકારો તો ન મળ્યો. ટેક્નોલોજી અદ્યતન છે, સુવિધાઓ અને સંસાધનોનો પણ અભાવ નથી, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા બજેટ પણ ફાળવવામાં આવે છે પરંતુ છતાય અમદાવાદના રોડ-રસ્તાઓની બિસ્માર હાલત સૂચવે છે કે, બધી જ વ્યવસ્થા છે પરંતુ કામ કરવાની ઈચ્છા શક્તિનો અભાવ છે. કારણ કે, કોઈના જીવ જવા એ સામાન્ય બાબત નથી, આખો પરિવાર વિખાઈ જાય છે આવી ઘટનાઓથી. પરંતુ તંત્રની ઉંઘ ઉડી રહી નથી. ત્યારે તંત્ર હવે જાગે, રોડ-રસ્તા સરખા કરે અને જનતાને શાંતિ થાય એવી અપેક્ષા રાખીએ. કારણ કે, જનતા રોડ-રસ્તા પર વ્હિકલ ચલાવવાનો કાયદેસરનો ટેક્સ આપે છે અને છતાંય જો તંત્ર સારા રોડ ન આપી શકતું હોય તો પછી શું કરવાનું. સવાલો અનેક છે, જનતાની પિડા પારાવાર છે, પરંતુ નિંદ્રાધીન તંત્ર સમસ્યાનું સમાધાન લાવવા કે, પછી પ્રજાની વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે હવે આશા રાખીએ કે, તંત્રની ઉંઘ ઉડશે અને જનતાને તેમની સારી કક્ષાના રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ મળશે.