આજે સ્પાઈસ જેટના એક વિમાનમાં હવામાં જ ખામી સર્જાતા તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરનારા સ્પાઈસ જેટના ક્યુ-400 વિમાનનું એક ટાયર ટેકઓફના તુરંત બાદ જ પર રન-વે પર પડી ગયું હતું. જો કે, આ સ્થિતિ છતાય વિમાને પોતાની યાત્રા પૂર્ણ કરી અને મુંબઈ એરપોર્ટ પર સુરક્ષીત લેન્ડિંગ કર્યું.
સ્પાઈસ જેટ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, વિમાન પૂર્ણ રીતે સામાન્ય સ્થિતિમાં ઉતર્યું અને લેન્ડિંગ બાદ ટર્મિનલ સુધી પહોંચ્યું. તમામ યાત્રીઓને સુરક્ષીત ઉતારી દેવામાં આવ્યા અને કોઈપણ વ્યક્તિને કંઈજ ઈજા કે અન્ય કોઈ હાની થઈ નહીં. પ્લેનનું સુરક્ષીત લેન્ડિંગ થતા, યાત્રીકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને હાંશકારો થયો કે, એક મોટી દુર્ઘટના ટળી ગઈ. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, વિમાનમાં ટેક્નિકલ ખામીની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ખ્યાલ આવી શકે કે, ટેકઓફ કરતા સમયે ટાયર કેવી રીતી નિકળ્યું અને રનવે પર પડી ગયું. નિયમો અનુસાર, આ પ્રકારની ઘટનાઓને ગંભીર માનવામાં આવે છે અને આનો પણ એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
વિમાનને બપોરે 3:51 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાનને રનવે 27 પર ઉતારવામાં આવ્યું અને રાહતની વાત એ રહી કે બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા.
મોટો અકસ્માત ટળ્યો
જણાવી દઈએ કે ટેકઓફ દરમિયાન વિમાનના કોઈપણ ભાગનું અલગ થવું સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી બની શકે છે. જોકે પાયલટની સમજદારી અને ક્રૂ સભ્યોની તત્પરતાથી વિમાનને સલામત ઉતારવામાં આવ્યું. એરલાઈને ખાતરી આપી છે કે મુસાફરોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિતપણે તેમના ગંતવ્ય સુધી પહોંચી ગયા છે.