નેપાળમાં સોમવારથી શરૂ થયેલું Gen-Z પ્રદર્શન હજી પૂરું થયું નથી. આ દરમિયાન યુરોપીય દેશ ફ્રાન્સમાં એક વધુ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન શરૂ થયું છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોની નીતિઓના વિરોધમાં ફ્રાન્સના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ પ્રોટેસ્ટને ‘Block Everything’ નામ અપાયું છે. એક તરફ મેક્રોએ ગઈ કાલે સેબેસ્ટિયન લેકોર્નુને ફ્રાન્સના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા, બીજી તરફ તેમના પદભાર સંભાળતા જ લોકોએ મોટા પાયે પ્રદર્શન શરૂ કરી દીધા.
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોના વિરોધમાં આ વિરોધ પ્રદર્શનને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ બની ગઈ છે અને થોડા જ કલાકોમાં પોલીસે 200થી વધુ લોકોને ધરપકડ કરી છે. સ્કૂલો અને ઓફિસોમાં હડતાલ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. પ્રદર્શનને કારણે જાહેર પરિવહન, શૈક્ષણિક સંસ્થાઓથી લઈને હોસ્પિટલોમાં કામમાં અવરોધ ઊભો થયો છે.
‘બ્લોક એવરીથિંગ’ પ્રોટેસ્ટની આગેવાની એક વિપક્ષી ડાબેરી ગ્રુપ કરી રહ્યું છે, જે મેક્રોની નીતિઓનો આલોચક રહ્યો છે. આ પ્રોટેસ્ટ 39 વર્ષના નવનિયુક્ત પ્રધાનમંત્રી લેકોર્નુ માટે અગ્નિપરીક્ષા સાબિત થઈ શકે છે, જે મેક્રોના નજીકના છે અને છેલ્લા ત્રણ વર્ષથી ફ્રાન્સના રક્ષા મંત્રી તરીકે કામ કરી રહ્યા છે.
મેક્રો માટે મુશ્કેલ સમય
મેક્રોએ મંગળવાર મોડી રાત્રે લેકોર્નુને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા, કારણ કે તેમના પૂર્વવર્તી ફ્રાંસ્વા બાયરૂ સંસદમાં વિશ્વાસ મત હારી ગયા હતા, જેના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. બાયરૂ અને લેકોર્નુ વચ્ચે બુધવારે ઑફિશિયલ હેન્ડઓવર થયું છે. પરંતુ એ જ સમયે ફ્રાન્સમાં વિરોધનું વાવાઝોડુ શરૂ થઈ ગયું. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા જે માસ્ક પહેરીને આવ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે આંસુ ગેસનો ઉપયોગ કર્યો છે.
ગૃહમંત્રી બ્રુનો રિટેલે બુધવારે જણાવ્યું કે લગભગ 50 નકાબપોશ લોકોએ બોર્ડોમાં નાકાબંધી શરૂ કરી અને કેટલીક જગ્યાએ આગજની પણ કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં ટુલૂઝ અને ઑચ વચ્ચે ટ્રાફિક ઠપ થઈ ગયો. રિટેલોએ જણાવ્યું કે પેરિસમાં પણ કેટલાક પ્રદર્શન થયા છે. પેરિસ પોલીસએ જણાવ્યું કે સવારે થયેલા પ્રદર્શનોમાં 75 લોકોને ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેમણે આ ધરપકડનું કારણ જણાવ્યું નથી.
ફ્રાન્સના ગૃહમંત્રીએ કહ્યું કે સમગ્ર દેશમાં 80 હજારથી વધુ સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં માત્ર પેરિસમાં છ હજાર જવાનોની તૈનાતી શામેલ છે. રિટેલોએ જણાવ્યું કે પ્રદર્શન શરૂ થવાના થોડા જ કલાકોમાં સમગ્ર દેશમાં 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રેન્ચ મીડિયા મુજબ પ્રદર્શનમા એક લાખ લોકો જોડાવાની અપેક્ષા છે. બજેટમાં કાપ, ઓફિસોમાં વર્ક કલ્ચર અને નવા વડા પ્રધાનની નિયુક્તિને આ પ્રદર્શનનું કારણ બતાવવામાં આવ્યું છે.