નેપાળમાં સોશિયલ મીડિયા પર બેન વિરૂદ્ધ આંદોલન ઉગ્ર બન્યું છે. યુવાનોએ સંસદમાં ઘુસવાનો પ્રયાસ કર્યો અને પોલીસ સાથે યુવાનોની હિંસક ઝપાઝપી પણ થઈ. પોલીસના ગોળીબારમાં 16 જેટલા પ્રદર્શનકારીઓના જીવ ગયા હોવાના સમાચાર છે. કાઠમાંડૂમાં સ્થિતિ સંભાળવા માટે સેનાને ખડેપગે કરી દેવામાં આવી છે. આ આંદોલન નેપાળના જનરેશન Z દ્વારા કરવામાં આવ્યું છે. અત્યારસુધી આની પાછળ કોઈપણ રાજનૈતિક પાર્ટીનો હાથ હોવાનું સામે આવ્યું નથી.
2023માં નેપાળ સરકારે સોશિયલ મીડિયા અંગે એક માર્ગદર્શિકા બનાવી અને તેના હેઠળ નેપાળમાં કામ કરી રહેલા એપ્સને રજીસ્ટ્રેશન કરવા કહ્યું. પરંતુ આ બાબતને વિદેશી પ્લેટફોર્મોએ ગંભીરતાથી લીધી નહીં. ત્યાર બાદ નેપાળની સુપ્રીમ કોર્ટે સરકારને આના પર પ્રતિબંધ મૂકવા કહ્યું. નેપાળ કેબિનેટે 28 ઑગસ્ટે બધા સોશિયલ મીડિયા એપ્સને એક અઠવાડિયામાં રજિસ્ટર્ડ થવા કહ્યું, પરંતુ કોઈપણ સંસ્થાએ તેનું પાલન કર્યું નહીં. ત્યાર બાદ સરકારે 5 સપ્ટેમ્બરે 26 એપ્સને બેન કરી દીધી. સોશિયલ મીડિયાના આ પ્રતિબંધને યુવાઓએ સરકારની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો અને યુવાઓને દેશ-દુનિયા સાથે સંવાદ સ્થાપિત કરવામાં અવરોધરૂપ ગણાવ્યો.
આ માટે યુવાઓએ આંદોલન ચલાવવાની યોજના બનાવી. આંદોલન માટે ‘હમ નેપાળ’ સંસ્થાએ સરકાર પાસે કાઠમંડૂમાં પ્રદર્શન કરવાની પરવાનગી માંગી અને સરકારે પણ આ માટે પરવાનગી આપી. સરકારનો અંદાજ હતો કે આંદોલન સામાન્ય જ રહેશે. તેને એટલી મોટી સંખ્યામાં યુવાઓ રસ્તા પર ઊતરી જશે તેવો અંદાજ નહોતો. યુવાનોએ ફક્ત રસ્તા પર ઊતર્યા જ નહીં પરંતુ પોલીસ સાથે અથડામણ શરૂ કરી દીધી. કાઠમંડૂમાં પ્રદર્શન બાદ આ આંદોલન અન્ય શહેરોમાં પણ ફેલાવા લાગ્યું.
જૂનો અસંતોષ, નવું આંદોલન
આ યુવા આંદોલન ભલે સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને હોય, પરંતુ યુવાઓની અંદર અસંતોષ ઘણાં લાંબા સમયથી ઉકળતો હતો. માઓવાદી આંદોલન અને ત્યાર બાદ રાજતંત્રની સમાપ્તિ પછી યુવાઓમાં એ આશા ખૂબ વધી ગઈ હતી કે જે ભ્રષ્ટાચાર અત્યાર સુધી હતો તે ખતમ થઈ જશે અને દેશમાં નવી રાજકીય સંસ્કૃતિનો જન્મ થશે. પરંતુ એવું કંઈ બન્યું નહીં. નેપાળ માત્ર રાજકીય અસ્થિરતા અને અરાજકતાનો શિકાર જ નહોતું બન્યું, પરંતુ તેની આર્થિક સ્થિતિ પણ ખરાબ થતી ગઈ.
કોરોનામાં ખરાબ થયેલી આર્થિક સ્થિતિમાં ત્યાર બાદ કોઈ સુધારો થયો નહીં. યુવાઓ સતત વિદેશોમાં સ્થળાંતર કરતા રહ્યા. અકુશળ મજૂરો સાથે વિદેશોમાં થતા અમાનવીય વર્તન અંગે ક્યાંકને ક્યાંક નેપાળી સમાજમાં પરેશાની હતી. મોંઘવારી અને બેરોજગારી એ યુવાઓને વધુ બેચેન કર્યા. સૌથી મોટી સમસ્યા એ રહી કે નેપાળની ત્રણ મોટી રાજકીય પાર્ટીઓ – માઓવાદી, નેપાળી કોંગ્રેસ અને નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (એમાલે) – નેપાળની સમસ્યાઓ ઉકેલવાને બદલે સત્તાની ખુરશીની દોડમાં સામેલ થઈ ગઈ.
યુવાઓએ રાજકીય પાર્ટીઓને આ અસંતોષ ઘણા પ્રકારથી જણાવવાનો પ્રયાસ કર્યો. સૌપ્રથમ ગઈ ચૂંટણીમાં એક નવી રાજકીય પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીનું ગઠન એક ટીવી એન્કરે કર્યું અને ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું. આ પાર્ટીએ બેરોજગારી અને ભ્રષ્ટાચારને પોતાનો મુખ્ય મુદ્દો બનાવ્યો. તેની સાથે શહેરી યુવાઓનો મોટો હિસ્સો જોડાઈ ગયો. આ પરિણામ એ દર્શાવવા પૂરતું હતું કે યુવાઓનો પરંપરાગત રાજકીય પાર્ટીઓથી મોહભંગ થઈ ગયો છે. પરંતુ લોકતાંત્રિક પાર્ટીના નેતા રવિ લામિછાને વિવાદોમાં ફસાઈ ગયા અને યુવાઓએ આ કારણે પોતાને છેતરાયેલા સમજ્યા.
ત્યાર બાદ રાજતંત્ર સમર્થક પાર્ટીઓએ રાજાને આગળ કરીને યુવાઓને નવું મંચ આપવા પ્રયત્ન કર્યો. આ એક પ્રતિક્રિયાવાદી પગલું હતું પરંતુ યુવાઓ તેની તરફ આકર્ષાયા. કેટલાક લોકો કહેવા લાગ્યા કે રાજકીય પાર્ટીઓમાં જેટલો ભ્રષ્ટાચાર છે, તેના કરતાં તો રાજતંત્ર જ સારું હતું. આ સમગ્ર પ્રકરણ પછી પણ રાજકીય પાર્ટીઓએ કોઈ પાઠ શીખ્યો નહીં અને સત્તા બનાવવા માટેની દોડમાં જ વ્યસ્ત રહી. કદાચ આ રાજકીય પાર્ટીઓને આ ભ્રમ હતો કે દેશમાં અમારો કોઈ વિકલ્પ છે જ નહીં, જેને યુવાઓ આ વખતે સમાપ્ત કરવાનો મૂડ ધરાવે છે.
શ્રીલંકા અને બાંગ્લાદેશના યુવાઓનો પ્રભાવ
યુવાઓના આ આંદોલનની પ્રેરણા શ્રીલંકા અને બાંગ્લાદેશના યુવાઓના સત્તા પરિવર્તનના પ્રભાવમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ બે દેશોમાં યુવાઓએ જેમ આંદોલન દ્વારા સત્તાને બહાર કરી નાખી હતી તે નિશ્ચિતપણે નેપાળી યુવાઓની પ્રેરણા બની છે. સૌપ્રથમ 2022માં શ્રીલંકામાં અને 2024માં બાંગ્લાદેશમાં યુવાઓએ સફળતા મેળવી. નેપાળના યુવાઓ પોતાના દેશમાં આવા જ આંદોલનને જોઈ રહ્યા છે. આ યુવાઓને લાગે છે કે જો આ બે દેશોમાં યુવાઓ સત્તા પરિવર્તન કરી શકે છે તો અમે પણ કરી શકીએ છીએ.