એક ફ્લાઈટ જે હવામાં હતી અને તેમાં ટેક્નિકલ ઈશ્યુ આવ્યો અને સેંકડો લોકોના જીવ હવામાં જ લટકી ગયા. હકીકતમાં કોચીથી અબુ ધાબી જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં પાઈલટોને ગડબડી અનુભવાઈ. ઈમરજન્સી સર્જાતા ફ્લાઇટને પાછી એરપોર્ટ પર લેન્ડ કરાવવાની ફરજ પડી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ફ્લાઇટ બે કલાકથી વધુ સમય સુધી હવામાં જ રહી હતી. વિમાનમાં 180થી વધુ મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
હકીકતમાં, ફ્લાઈટ નંબર 6E-1403 (COK-AUH) શુક્રવાર રાત્રે 11:10 વાગ્યે કોચીથી રવાના થઈ હતી, પરંતુ તેમાં ટેકનિકલ ખરાબીના કારણે શનિવારે સવારે 1:44 વાગ્યા આસપાસ પાછું ફરવું પડ્યું. મુસાફરોને બાદમાં એક અન્ય વિમાનથી અબુ ધાબી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. વૈકલ્પિક ફ્લાઇટ, રાત્રે લગભગ 3:30 વાગ્યે નવા ક્રૂ સભ્યો સાથે રવાના થઈ.
આ પહેલાં મંગળવારે સવારે નાગપુર-કોલકાતા ઈન્ડિગો ફ્લાઇટને ટેક-ઑફ પછી તરત જ બર્ડ સ્ટ્રાઈકના કારણે તરત જ એરપોર્ટ પર પાછું ફરવું પડ્યું. એક સિનિયર એરપોર્ટ અધિકારીએ માહિતી આપતા કહ્યું કે સુરક્ષાને ધ્યાને રાખતા, વિમાનને પાછું લેન્ડ કરાવવામાં આવ્યું. આ ફ્લાઇટમાં 160 થી 165 મુસાફરો સવાર હતા. નાગપુર હવાઈ અડ્ડા પર પાછું લેન્ડિંગ થયા બાદ ફ્લાઇટને રદ કરવામાં આવી છે.
એરલાઇનનું નિવેદન
એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું, ‘નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઇટ 6E 812એ 2 સપ્ટેમ્બરે ટેક-ઑફ પછી તરત જ બર્ડ સ્ટ્રાઈકનો સામનો કર્યો. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પાઈલટોએ પાછા ફરવાનો નિર્ણય લીધો અને ફ્લાઇટ સુરક્ષિત રીતે નાગપુર એરપોર્ટ પર ઉતરી.” તેમણે આગળ જણાવ્યું કે ‘વિમાનની આવશ્યક નિરીક્ષણ અને મેન્ટેનન્સની જરૂરિયાતને કારણે, ફ્લાઇટને દિવસ માટે રદ કરવામાં આવી છે. અમારા ગ્રાહકોને અસુવિધા ઓછી કરવા માટે, અમે તેમને રિફ્રેશમેન્ટ ઓફર કરી, વૈકલ્પિક વ્યવસ્થા કરી અને ટિકિટ કેન્સલ કરાવવાના કિસ્સામાં રદ પર સંપૂર્ણ રિફંડની ઓફર કરવામાં આવી.