જીએસટી રિફોર્મઃ જાણો સામાન્ય માણસને થશે કેટલો ફાયદો… વાંચો વિગતવાર માહિતી!

ભારત સરકાર દ્વારા જીએસટી સ્લેબમાં ઐતિહાસીક ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે દેશની જનતાને મોટી દિવાળી ગીફ્ટ આપી છે. નવી દિલ્હીમાં મળેલી જીએસટી કાઉન્સીલની 56મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી સામાન્ય માણસને ઘણી રાહત થવાની છે. નવા ભાવો 22 સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે. નવા જીએસટી સુધારા અંતર્ગત 10થી વધારે વસ્તુઓના ભાવ ઘટી જવાના છે. આમાં જરૂરી વસ્તુઓ, રોજિંદા જીવમાં ઉપયોગમાં લેવાતો સામાન અને હેલ્થ પ્રોડ્સનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે જનતાને રાહત આપવા માટે આ નિર્ણય કર્યો છે અને એટલા માટે જ હવે કેટલાક લોકો જીએસટીને ગુડ સર્વિસ ટેક્સ પણ કહી રહ્યા છે. આવો જાણીએ કે, જીએસટીમાં રિફોર્મથી સામાન્ય માણસને કેટલો ફાયદો થવાનો છે, સાથે જ જાણીએ કે, કઈ-કઈ વસ્તુઓના ભાવમાં હવે ઘટાડો થવાનો છે. જાણીશું જીએસટી રિફોર્મ સાથે જોડાયેલી તમામ વિગતો, અમારી વિશેષ રજૂઆત.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં જીએસટી રિફોર્મને લઈને સૌથી પહેલા જાણકારી આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે દિવાળી પર જીએસટીમાં રિફોર્મ કરવામાં આવશે, આનાથી સામાન્ય જનતાને મોટી રાહત મળવાની છે. પીએમ મોદી આ નિવેદનનું દેશના કરોડો લોકો અને સાથે જ વ્યાપારી અને ઉદ્યોગ જગત દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો સાંભળીએ કે, જીએસટી રિફોર્મને લઈને પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું હતું.

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને જે વાયદો કર્યો હતો તે તેમણે નિભાવ્યો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે, જ્યારે ભારતના નિર્યાત પર અમેરિકા દ્વારા 50 ટકા જેટલો ટેરિફ લગાવી દેવામાં આવ્યો છે, જે વિશ્વમાં સૌથી વધારે છે. અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે, જીએસટી 2.0 થી જીડીપીના ગ્રોથમાં 0.5 ટકા સુધીનો વધારો થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે, કેન્દ્ર સરકારના જીએસટી રિફોર્મના આ નિર્ણયથી અમેરિકાના ટેરિફના ઝટકાની અસર ઓછી કરવામાં મદદ મળશે. જીએસટી રિફોર્મથી અર્થવ્યવસ્થામાં ખપત વધવાની અપેક્ષાઓ છે.

GST કાઉન્સિલની 56મી બેઠકમાં ખૂબ મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં જીએસટીના સ્લેબ ત્રણથી ઘટાડીને બે જ કરી દેવાયા છે. જીએસટી પરિષદની બેઠક બાદ નિર્મલા સીતારમણે કહ્યું કે, આપણે સ્લેબ ઓછા કરી દીધા છે. હવે માત્ર બે સ્લેબ હશે અને આપણે કમ્પેન્સેશન સેસના મુદ્દા પર પણ વિચાર કરી રહ્યા છીએ. હવે GSTના માત્ર બે જ સ્લેબ હશે- 5 ટકા અને 18 ટકા, જ્યારે ત્રીજો સ્લેબ સ્પેશિયલ હશે. તેમણે કહ્યું કે, 28 ટકાનો સ્લેબ જીએસટીથી હટાવી દેવાયો છે. નવા જીએસટી દર 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘આ સુધારો સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને કરાયો છે. સામાન્ય લોકો દૈનિક ઉપયોગમાં વસ્તુઓ પર લાગતા દરેક ટેક્સની સમીક્ષા કરાઈ છે અને વધુ પડતાં કેસોમાં ટેક્સોમાં ભારે અછત આવી છે. ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની સાથો સાથે સ્વાસ્થ્ય ક્ષેત્રને પણ લાભ થશે. રોટલી, પરાઠા, છેના પનીર પર કોઈ ટેક્સ નહીં લાગે. નમકીન, ભુજિયા, ચટણી, પાસ્તા, ચોકલેટ, કોફી પર 18% ના બદલે 5% ટેક્સ લાગશે. એર કન્ડિશનર, ટીવી, નાના વાહનો અને મોટરસાયકલ પર 18% ટેક્સ લાગશે.’

કેન્દ્ર સરકારે જીએસટી રિફોર્મ તો કર્યું. પરંતુ હવે એ પણ સમજવું પડે કે, આખરે શાં માટે કેન્દ્રની મોદી સરકારે જીએસટી રિફોર્મનો નિર્ણય કર્યો? તો સૌથી મોટી વાત એ છે કે, મોદી સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે કે, જ્યારે ભારત વિશ્વગુરૂ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, સરળ ગુજરાતી ભાષામાં કહીએ તો મોદી સરકારે આ નિર્ણય દેશના હિતમાં અને દેશને પ્રગતિની દિશામાં આગળ વધારવા માટે કર્યો છે. મોદી સરકાર જી.એસ.ટી. 2.0 દ્વારા સુધારાની આંધી લઈને આવી છે. જીએસટી ભારતીય અર્થવ્યવસ્થાને રફ્તાર આપી શકે છે. આ રફ્તારની અત્યારે ભારતને ખૂબ જ જરૂર છે. તેને લાવવાનો સમય પણ મહત્વનો છે. આ સુધારા એવા સમયે લાવવામાં આવ્યા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ઝુકાવા માટે ટૅરિફના બાણોની બૌછાર કરી દીધી છે. રશિયન તેલ ખરીદવાના કારણે તેને નિશાના પર રાખવામાં આવ્યું છે. જાણકારોએ જી.એસ.ટી. 2.0નું સ્વાગત કર્યું છે. ટ્રમ્પ દ્વારા ભારતને 50 ટકા ટેરિફનો જે ઘા આપવામાં આવ્યો છે, જીએસટી રિફોર્મ તેના પર મલમ લગાડવાનું કાર્ય કરશે. અને એવી રીતે કે ટ્રમ્પના ટેરિફના ઘાની જરાય અસર જ ન થાય. સરળ ભાષામાં કહીએ તો જીએસટી રિફોર્મથી અર્થ વ્યવસ્થાને જે ટ્રમ્પના ટેરિફથી નુકસાન થવાનું છે તેની ભરપાઈ થઈ શકશે.

સરકારે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે જી.એસ.ટી. 2.0 લાવવાનો નિર્ણય કર્યો છે. આ 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. તેના હેઠળ ટેક્સના સ્લૅબને ચારથી ઘટાડીને બે કરી દેવાયા છે. જરૂરી વસ્તુઓ પર 5% ટેક્સ લાગશે. સામાન્ય વસ્તુઓ પર 18% ટેક્સ લાગશે. કેટલીક વસ્તુઓને ટેક્સના દાયરાથી બહાર જ રાખવામાં આવી છે.

સિગારેટ, તમાકુ જેવા સિન ગુડ્સ સિવાય યાચ અને હેલિકૉપ્ટર જેવી લક્ઝરી આઇટમ્સ પર 40% ટેક્સ લાગશે. ખેડૂતો માટે ટ્રેક્ટર, ખેતીના સાધનો, હસ્તકલા અને માર્બલ પર ટેક્સ 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આથી આ વસ્તુઓ સસ્તી થઈ જશે અને ખેડૂતોને ફાયદો થશે. તેના સિવાય પણ ફાર્માસ્યુટિકલ્સ, કન્ઝ્યૂમર ગુડ્સ સહિત ઘણા સેક્ટરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેના દ્વારા ભારતનો આખો ફોકસ ઘરેલું વપરાશ વધારવા પર છે.

સરકારનું કહેવું છે કે આ બદલાવોથી ટેક્સ સિસ્ટમ સરળ બની જશે. લોકો વધારે ટેક્સ ભરી શકશે. દેશની પ્રગતિ થશે. જી.એસ.ટી. 2.0થી આવતા સમયમાં લોકોને વસ્તુઓ સસ્તી મળશે. આ દેશની અર્થવ્યવસ્થાને વેગવાન બનાવશે. દુનિયામાં ભારત સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા છે. તેણે પડકારજનક સમયમાં પણ પોતાની રફ્તાર જાળવી રાખી છે. આ સુધારા તેને કાયમ રાખવામાં મહત્વના સાબિત થઈ શકે છે.

અમેરિકા સાથેના ટેરિફ તણાવની વચ્ચે ભારતે આ સુધારા કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વાહિયાત ટૅરિફને યોગ્ય ઠેરવવા પર અડગ છે.. ઘણા એક્સપર્ટ્સે આ ટેક્સ સુધારાને ગેમચેન્જર ગણાવ્યા છે. તેમના મુજબ, આ સુધારાથી સામાન્ય લોકોને ઘણો ફાયદો થશે. અર્થવ્યવસ્થા પણ ઝડપી દોડશે. જ્યારે સુધી ભારતની ઝડપી અર્થવ્યવસ્થા તેની સાથે છે, દુનિયામાં કોઈપણ દેશ અમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં.

કેન્દ્ર સરકારના જીએસટી રિફોર્મના આ નિર્ણયથી દેશની સામાન્ય જનતાને ખૂબ જ ફાયદો થવાનો છે. કારણ કે હવે તેમની ખિસ્સામાં પહેલાંની તુલનામાં વધારે પૈસા બચશે. હેલ્થ સેક્ટર માટે જી.એસ.ટી. સુધારા એક મોટો બદલાવ લઈને આવશે. વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમાના પ્રીમિયમ પર જી.એસ.ટી.ને ઘટાડી ને શૂન્ય કરી દેવામાં આવ્યો છે. તેનો સીધો ફાયદો સામાન્ય માણસને મળશે.

પ્રધાનમંત્રી મોદીનાં વિઝન ‘આત્મનિર્ભર ભારત’ માટે જી.એસ.ટી. સુધારા ખૂબ જ મહત્વના છે. ટ્રમ્પ ટૅરિફ બાદ અર્થવ્યવસ્થા અંગે કેટલીક નવી પરેશાનીઓ ઊભી થઈ હતી, ઘણા સેક્ટર પર તેનો પ્રભાવ જોવા મળતો હતો કારણ કે અમેરિકા ભારતનું મોટો ટ્રેડિંગ પાર્ટનર રહ્યું છે. જોકે, નવા જી.એસ.ટી. સુધારાથી ભારતની ગ્રોથ સ્ટોરી આગળ વધશે. યુવા અને ડાયનેમિક અર્થવ્યવસ્થા તરીકે અમારી કામ કરવાની ગતિ વધુ તેજ બનશે. નવા સુધારા સાથે અર્થવ્યવસ્થાને બૂસ્ટ મળશે.

જી.એસ.ટી. સુધારાનો શેરબજાર પર પણ સારો પ્રભાવ જોવા મળશે. સરકારે સામાન્ય માણસ માટે ઘણી વસ્તુઓ સસ્તી કરી દીધી છે, પરંતુ લક્ઝરી આઈટમ્સ એટલે કે એવી વસ્તુઓ જે સામાન્ય માણસની જરૂરિયાત સાથે જોડાયેલી નથી, તેને મોંઘી કરીને જી.એસ.ટી.ને બૅલેન્સ કરવું પણ જરૂરી હતું.

જીએસટી રિફોર્મ એ સામાન્ય માણસ માટે ઘણો રાહત ભર્યો નિર્ણય છે. વસ્તુઓના ભાવ ઘટવાથી સામાન્ય માણસ પોતાનો વપરાશ વધારશે, વપરાશ વધવાથી ઇન્ડસ્ટ્રીનું ઉત્પાદન વધશે. ઉત્પાદન વધવાથી રોકાણ પણ વધશે અને સપ્લાય ચેઇન લોજિસ્ટિક્સ સેક્ટર પણ આગળ વધશે. સાથે સાથે, કોલ્ડ ચેઈનમાં પણ રોકાણ વધશે. સરકારે ટ્રકથી લઈને ટ્રેક્ટર સુધીના જી.એસ.ટી. રેટમાં ઘટાડો કર્યો છે, તેનો બહુ મોટો પ્રભાવ જોવા મળશે.”

આપણા દેશમાં સામાન્ય માણસ માટે ઇન્શ્યોરન્સ લેવું ખૂબ જ મોંઘું પડી રહ્યું હતું. નવા જી.એસ.ટી. સુધારાથી ઇન્શ્યોરન્સ લેતા લોકોની સંખ્યા વધી જશે. આશા છે કે ઇન્શ્યોરન્સ લેતા લોકોની વધતી સંખ્યા સામે કંપનીઓ વધારે પ્રીમિયમ ચાર્જ નહીં કરે. હવે સામાન્ય માણસ પોતાની ફાઇનાન્શિયલ સિક્યોરિટી વધારવા પર ધ્યાન આપશે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ

દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ થશે સસ્તી

હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ પર જીએસટી 18% થી ઘટાડી 5% કરાયો

માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો પર જીએસટી 12% થી ઘટાડી 5% કરી દેવાયો

પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણા પર જીએસટી 12% થી ઘટાડી 5% કરાયો

વાસણો પર જીએસટી 12% થી ઘટાડી 5% કરાયો

ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર પર જીએસટી 12% થી ઘટાડી 5% કરાયો

સીવણ મશીન અને તેના ભાગો પર જીએસટી 12% થી ઘટાડી 5% કરાયો

આરોગ્ય ક્ષેત્રે રાહત

હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર 18% જીએસટી હતો જે હવે શૂન્ય કરી દેવાયો

થર્મોમીટર પર જીએસટી 18% થી ઘટાડી 5% કરાયો

મેડિકલ ગ્રેડ ઓક્સિજન પર જીએસટી 12% થી ઘટાડી 5% કરાયો

ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ પર જીએસટી 12% થી ઘટાડી 5% કરાયો

ચશ્મા પર જીએસટી 12% થી ઘટાડી 5% કરાયો

સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી

નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ પર જીએસટી 12% થી શૂન્ય કરી દેવાયો

પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ પર જીએસટી 12% થી શૂન્ય કરાયો

પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ પર જીએસટી 12% થી શૂન્ય થઈ ગયો

ઇરેઝર પર જીએસટી 5% થી શૂન્ય થયો

ખેડૂતોને રાહત

ટ્રેક્ટર પર જીએસટી 12% થી ઘટાડી 5%

ટ્રેક્ટર ટાયર અને પાર્ટ્સ પર જીએસટી 18% થી ઘટાડી 5% કરાયો

જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો પર જીએસટી 12% થી ઘટાડી 5% કરાયો

જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો પર જીએસટી 12% થી ઘટાડી 5% કરાયો

વાહનો થશે સસ્તા

પેટ્રોલ, LPG અને CNG કાર પર જીએસટી 28% થી ઘટાડી 18% કરાયો

ડીઝલ કાર પર જીએસટી 28% થી ઘટાડી 18% કરાયો

થ્રી-વ્હીલર વાહનો પર જીએસટી 28% થી ઘટાડી 18% કરાયો

350 CC સુધીના બાઇક પર જીએસટી 28% થી ઘટાડી 18% કરાયો

માલ પરિવહન માટેના વાહનો પર જીએસટી 28% થી ઘટાડી 18% કરાયો

ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટ્યો

એર કંડિશનર પર જીએસટી 28% થી ઘટાડી 18% કરાયો

32 ઇંચથી મોટા ટીવી પર જીએસટી 28% થી ઘટાડી 18% કરાયો

મોનિટર અને પ્રોજેક્ટર પર જીએસટી 28% થી ઘટાડી 18% કરાયો

ડીશ વોશિંગ મશીન પર જીએસટી 28% થી ઘટાડી 18%

 

શું મોંઘું થયું?

લક્ઝરી વસ્તુઓ, લકઝરી કાર-બાઇક, તંબાકુ ઉત્પાદન, સિગારેટ, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સને 40%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ GST વસૂલવામાં આવશે.

Share This Article
Translate »