ગુજરાત પોલીસની નવી વ્યવસ્થાઃ ઘરે બેઠા જ થઈ જશે સમસ્યાનું સમાધાન!

ગુજરાત પોલીસ દ્વારા લોકોની સમસ્યાઓનો સરળતાથી નિકાલ કરી શકાય તે માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા શરૂ આવેલી ‘GP-SMASH’ (Gujarat Police – Social Media Monitering, Awareness and Systametic Handling) પહેલને પરિણામે વધુ એક નાગરિકને ઘરે બેઠા પોતાની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. કેનેડામાં રહેતા આ યુવાનને લગ્નના કપડાંનું બુકિંગ રદ કરવા છતાં વડોદરાના એક વેપારી પૈસા પરત આપતા ન હતા. યુવાને X પર ગુજરાત પોલીસને ટ્વીટ કરીને ફરિયાદ કરી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વેપારીએ બીજા જ દિવસે નાણાં પરત કર્યા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની GP-SMASH ટીમને તથા વડોદરા પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

આયુષ નામના યુવાને વડોદરાના એક વેપારી પાસેથી લગ્ન પ્રસંગ માટે ₹75,000ના કપડાં બુક કરાવ્યા હતા અને ડિપોઝિટ પણ જમા કરાવી હતી. પરંતુ, કોઈ કારણસર બુકિંગ રદ કરવું પડ્યું હતું. વડોદરાના વેપારી નાણાં પરત આપવા તૈયાર ન હતા. આ અરજદાર વિદેશમાં રહેતા હોવાથી ગુજરાત આવી શકે તેમ ન હતા. આથી, કેનેડાથી યુવાને તા.28મી ઓગસ્ટ, 2025ના રોજ સવારે 9:11 કલાકે ગુજરાત પોલીસના X હેન્ડલ @GujaratPolice પર પોતાની ફરિયાદ ટ્વીટ કરી હતી.

ગુજરાત પોલીસને ટ્વીટ મળતાં જ ગાંધીનગરમાં ૨૪*૭ કાર્યરત GP-SMASH સ્ટેટ ટીમના પીએસઆઈ રાહુલસિંહ ચુડાસમાએ તાત્કાલિક વડોદરા પોલીસને આ બાબતે કાર્યવાહી કરવા કોમેન્ટ કરી અને ફોન પર વાતચીત કરી. ભારત અને કેનેડાના સમયમાં લગભગ 9 કલાક અને 30 મિનિટનો તફાવત હોવાથી, વડોદરા પોલીસની ટીમે રાત્રિના સમયે ફરિયાદી સાથે ફોન પર સંપર્ક કરીને સમગ્ર વિગતો મેળવી. આ ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી, તાત્કાલિક સ્થાનિક પોલીસ દ્વારા વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો. પોલીસ દ્વારા તપાસ શરૂ થતાં જ વેપારીએ કેનેડાના યુવાનને તાત્કાલિક ₹65,000 પરત આપી દીધા. આ સુખદ પરિણામ મળ્યા બાદ ફરિયાદીએ વડોદરા પોલીસ, GP-SMASH, અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.

Share This Article
Translate »