વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ભવ્ય રોડ-શો કરીને નિકોલમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. અહીંયા વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાને અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરી. પીએમ મોદીએ જણાવ્યું કે દેશભરમાં ગણેસોત્સવનો અદભૂત ઉત્સાહ છે… ગણપતિ બાપાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓના પણ શ્રીગણેશ થયા છે… તેમણે ઉમેર્યું કે મારું સૌભાગ્ય છે, કે આજે મને વિકાસના અનેક પ્રોજેક્ટ જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરવાનો, અને તમને સોપવાનું સૌભાગ્ય મળ્યું છે…. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધન કરી લોકોને મેક ઇન ઇન્ડિયા પર ભાર મુકી લોકોને ભારતમાં નિર્મિત વસ્તુઓ જ ખરીદવા હાંકલ કરી હતી. વિગતવાર સાંભળીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું…
વડાપ્રધાને ગુજરાતીમાં આજે તો તમે રંગ રાખ્યો છે હોં એમ કહેતા જ મોદી મોદીના નારા લાગ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ઘણીવાર વિચાર આવે કે કેવું નસીબ છે કે આ લાખો લોકોનો પ્રેમ અને આશિર્વાદ મળ્યાં છે. આપ સૌનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તેમણે કહ્યું હતું કે, આ સમયે દેશભરમા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાના આશિર્વાદથી અમે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓના શ્રીગણેશ થયાં છે. હું આ વિકાસ માટે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.
ગુજરાત બે મોહનની ભુમિ છે: PM મોદી
ચોમાસાની સિઝનમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. દેશમાં પણ વાદળ ફાટવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ટીવી પર જ્યારે વિનાશ લીલા જોઈએ છીએ ત્યારે ખુદને સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. હું તમામ પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું. ગુજરાતની આ ધરતી એ બે મોહનની ધરતી છે. એક સુદર્શન ધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ અને બીજા ચરખાધારી મોહન એટલે સાબરમતીના સંત મહાત્મા ગાંધીની ભૂમિ છે. ભારત આજે આ બંનેના બતાવેલા રસ્તા પર ચાલીને નિરંતર સશક્ત થઈ રહ્યો છે. સુદર્શન ચક્ર ધારી મોહને આપણને શીખવાડ્યું છે કે દેશ અને સમાજની રક્ષા કેવી રીતે કરવી જોઈએ. તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવ્યું છે. જે દુશ્મનને પાતાળમાંથી શોધીને સજા આપે છે. આજે આ ભાવ ભારતના ફેંસલાથી દુનિયા અનુભવી રહી છે.
22 મિનિટમાં બધુ સફાચટ કરી નાખ્યું: PM મોદી
તેમણે કહ્યું હતું કે, તમે અમદાવાદીઓએ કેવા કેવા દીવસો જોયા છે. જ્યારે હુલ્લડબાજો અને ચક્કા ચાલવનારાઓ લોકોને ઢાળી દે. કર્ફ્યૂમાં જીવન ગુજારવું પડે. વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજિત થઈ જાય છે. આતંકવાદીઓ આપણુ લોહી વહાવે છે અને દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઈજ નહોતી કરતી. પરંતુ આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી. ચાહે તેઓ ક્યાંય પણ છુપાયા હોય દુનિયાએ જોયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો છે. 22 મિનિટમાં બધુ સફાચટ કરી નાખ્યું. સેંકડો કિ.મી અંદર જઈને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદુર અમારી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઈચ્છાશક્તિનું પ્રતિક બન્યું છે. ચરખા ધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યો હતો. આ આશ્રમ તેનો સાક્ષી છે. જે પાર્ટીએ તેમના નામનો લાભ લઈને સત્તા સુખ ભોગવ્યું તેને બાપુની આત્માને કચડી નાંખ્યું. બાપુના સ્વદેશીના મંત્ર સાથે શું કર્યું.
ભારતે આત્મ નિર્ભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવ્યો
તમે એ લોકોના મોઢે ક્યારેય સ્વચ્છતા અને સ્વદેશી શબ્દ નહીં સાંભળ્યો હોય. આ દેશ સમજી જ નથી શકતો કે તેમની સમજને શું થયું છે. 60થી 65 વર્ષ દેશ પર શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યો. પરંતુ આજે ભારતે આત્મ નિર્ભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવ્યો છે. આપણા ખેડૂતો અને માછીમારો, પશુપાલકો અને ઉદ્યમીઓના દમ પર ભારત તેજીથી વિકાસના રસ્તા પર ચાલી રહ્યો છે. આત્મનિર્ભરતાના રસ્તા પર આગળ વધી રહ્યો છે. આપણા ગુજરાતમાં તો પશુપાલકો એટલી બધી સંખ્યામાં છે. પશુપાલનમાં ગુજરાતમાં બહેનોનું મોટુ યોગદાન છે. બહેનોએ પશુપાલનમાં યોગદાન આપીને આપણા ડેરી સેક્ટરને આત્મનિર્ભર બનાવ્યું. જેના ચારે તરફ જયગાન ચાલી રહ્યાં છે.
ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ બન્યું
આજે દુનિયામાં આર્થિક સ્વાર્થ વાળી રાજનીતિમાં સૌ કોઈ પોતાનું કરવા મથી રહ્યુ ંછે. તેને આપણે જોઈ રહ્યાં છીએ. હું અમદાવાદની આ ધરતી પરથી આપણા નાના ઉદ્યમીઓ અને નાના વેપારીઓ, ખેડૂતો અને મજૂરોને કહીશ કે હું ગાંધીની ધરતી પરથી બોલી રહ્યો છું. દરેક માટે હું તમને વારંવાર વાયદો કરૂ છું. મોદી માટે તમારુ હીત સર્વોપરી છે. મારી સરકાર, પશુપાલકો, ખેડૂતો અને નાના વેપારીઓનું ક્યારેય અહિત નહીં કરવા દે. આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનું જે વાતાવરણ બન્યું છે તેના સુખદ પરિણામ આપણે ચારે તરફ જોઈ રહ્યાં છીએ. આજે તમામ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝનો વિસ્તાર ગુજરાતમાં થઈ રહ્યો છે. કેવી રીતે આપણું રાજ્ય મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે.