ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પીએમ મોદી ભવ્ય રોડ-શો કરીને સીધા જ નિકોલ ખાતે આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. અહીંયા તેમણે એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ અહીંયા ગુજરાતને 5 કરોડથી વઘુ રૂપીયાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાત અને ગુજરાતના લોકોને કયા વિકાસ કાર્યોની ભેટ આપી, તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ.
અમદાવાદમાં વીજ વિતરણ માટે ₹608 કરોડના ખર્ચે ભૂગર્ભ સિસ્ટમ તૈયાર
વડાપ્રધાનના હસ્તે જે UGVCL પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, તેને ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અને નોર્મલ ડેવલપમેન્ટ (N.D.) સ્કીમના ભાગ રૂપે અમલમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં ₹608 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જેનો લાભ 2,00,593 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થયું છે. ભૂગર્ભ સિસ્ટમથી સલામતી અને વિશ્વસનીયતા તો વધશે જ, સાથે લૉ-વોલ્ટેજ સમસ્યાઓની ગ્રાહકોની ફરિયાદો ઘટાડશે અને ટ્રાન્સફૉર્મર લોડિંગ નીચું લાવશે.
અમદાવાદને મળ્યા બે હાઈ-કેપેસિટી વાળા સબસ્ટેશન
અમદાવાદમાં બે હાઈ-કૅપેસિટીવાળા સબસ્ટેશન શહેરમાં વીજ પુરવઠાને મજબૂત બનાવશે. ₹75 કરોડનું 66 kV ગોતા સબસ્ટેશન (60 MVA, 3 x 20 MVA ટ્રાન્સફોર્મર) 1,634 ગ્રાહકોને અવિરત વીજળી પૂરી પાડશે, જ્યારે ₹39 કરોડનું 66 kV ચાંદખેડા-II સબસ્ટેશન (60 MVA, 3 x 20 MVA ટ્રાન્સફોર્મર) 1,149 ગ્રાહકોને વીજળી પૂરી પાડશે. આ ઉપરાંત, નવા જોડાણો બનાવવામાં અને શહેરી વીજળી પુરવઠાને વધુ સ્થિર બનાવવામાં પણ મદદ મળશે. ઉત્તર ગુજરાતમાં કુલ મળીને 4,25,000 ગ્રાહકોને આ પ્રકલ્પોનો લાભ થશે.
મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. ગાંધીનગરમાં અંદાજિત ₹62 કરોડના ખર્ચે બનનારું રાજ્ય સ્તરીય લૅન્ડ ડેટા સ્ટોરેજ સેન્ટર છ માળનું હશે જેમાં કોમ્પેક્ટર્સ, સંગ્રહાલય અને કૉન્ફરન્સ હૉલ જેવી સુવિધા હશે. આ સેન્ટર જમીન અને મહેસૂલ સંબંધિત મહત્વપૂર્ણ રેકોર્ડ્સ સંગ્રહિત કરવા માટેનું એક સુરક્ષિત રાજ્ય-સ્તરીય કેન્દ્ર હશે. અહીં, મહેસૂલ વિભાગની નકલો વિશ્વસનીય બૅકઅપ તરીકે રાખવામાં આવશે, અને મહેસૂલ અને સર્વેક્ષણ વિભાગોની સંવેદનશીલ માહિતી ભવિષ્યના ઉપયોગ માટે સુરક્ષિત રીતે સાચવવામાં આવશે.અમદાવાદમાં સ્ટેમ્પ્સ અને રજીસ્ટ્રેશન ભવન થશે તૈયાર
અમદાવાદ (પશ્ચિમ)માં જે સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવન ₹34 કરોડના ખર્ચે તૈયાર થશે, તેનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ભવન મહેસૂલને લગતી તમામ સેવાઓનું કેન્દ્રીકરણ કરશે, જેનાથી નાગરિકોને એક જ સ્થળેથી સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન વિભાગ સુધીની પહોંચ મળશે. આ બહુમાળી ભવનમાં એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (અમદાવાદ ઝોન), અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (અમદાવાદ જિલ્લો), અને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ્સ-1 અને સ્ટેમ્પ્સ-2 તેમજ જિલ્લાની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાંથી રજિસ્ટ્રેશન સંબંધિત રેકોર્ડ સાચવવાની સુવિધાઓ હશે. આ ભવનને બનવામાં લગભગ 17 મહિના લાગશે. ગુજરાતમાં ઊર્જા અને મહેસૂલ વિભાગના આ મુખ્ય પ્રોજેક્ટ્સ પાવર ડિસ્ટ્રિબ્યુશન અને મહેસૂલ સેવાઓને વધુ સુદ્રઢ બનાવશે.
શહેરી વિકાસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ
આજે વડાપ્રધાન મોદીએ શહેરી વિકાસ વર્ષમાં ગુજરાતને મહત્વની અને અણમોલ ભેટ આપી છે. પીએમ મોદીએ અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા ₹2548 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન દ્વારા ગુજરાતને આ ભેટ એવા સમયે મળી છે કે, જ્યારે રાજ્ય શહેરી વિકાસ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ બે દાયકાની સિદ્ધિને આગળ ધપાવતાં ગુજરાત સરકાર નાગરિકો માટે ઇઝ ઑફ લિવિંગના સતત પ્રયાસો કરી રહી છે.
શહેરી વિકાસ વિભાગના ₹2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના ₹2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ઇન સિટુ સ્લમ રિહેબિલિટેશન ઘટક હેઠળ રામાપિરના ટેકરામાં સેક્ટર-3માં આવેલ 1449 ઝુંપડાઓનાં પુન:વસનની કામગીરી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ કેમ્પસમાં કૉમન પ્લોટ, આંગણવાડી, હેલ્થ સેન્ટર, સોલર રુફટૉપ સિસ્ટમ, દરેક ઘરમાં પી.એન.જી. ગેસ કનેક્શન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત જલ જીવન મિશન હેઠળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. આ માટે દસ્ક્રોઈ તાલુકામાં ₹27 કરોડના ખર્ચે 15 લાખ લિટર ક્ષમતા ધરાવતો ક્લિયર વોટર પમ્પ તેમજ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવી 23 કિ.મી. લંબાઇમાં ટ્રન્ક મેઇન પાઇપલાઇન નાખવામાં આવી છે, જેનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત ઔડા વિસ્તારના 10 ગામોમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
નાગરિકોની સુવિધાઓમાં થશે વધારો
વડાપ્રધાનના હસ્તે અમદાવાદમાં થયેલા ખાતમુહૂર્તના કામોમાં શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને 5 વર્ષનું સંચાલન અને જાળવણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રીટ ફર્નિચર સાથે લૉ ગાર્ડન અને મીઠાખળી પ્રિસિંક્ટનો વિકાસ, થલતેજ વોર્ડ અને પશ્વિમ ઝોનના નારણપુરા વોર્ડ, પશ્વિમ ઝોન ચાંદખેડામાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું નિર્માણ, અમદાવાદ શહેરમાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલ્વે ઓવર બ્રિજનું પુન:ર્નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે.
સરખેજમાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ
એક મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ પ્લોટ પર બનાવવામાં આવશે, જે માટે લગભગ ₹56.52 કરોડનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવામાં યોગદાન આપશે. આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકની કલાણા-છારોડીમાં આવેલ ટી.પી.સ્કીમ. નં. 139/સી, 141 અને 144માં 24 મી. અને 30 મી. રોડ ફોર લેન બનાવવા અંગેનું કામ ₹38.25 કરોડના ખર્ચે કરવામાં આવશે, જેનું વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું હતું.
સરદાર પટેલ રિંગ રોડ 6 લેન સુધી પહોળો કરાશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માર્ગીય મુખ્ય માર્ગ છ માર્ગીય બનશે, જેમાં ઝડપ અને સલામતીને ધ્યાને લઈ એક્સપ્રેસવેના માપદંડો મુજબ નિયંત્રિત પ્રવેશની જોગવાઈ રાખેલ છે. છ માર્ગીય મુખ્ય માર્ગ ઉપરાંત, 32 કિમી લંબાઈમાં ચાર માર્ગીય સર્વિસ રોડ, 30 કિમી લંબાઈમાં ત્રિ-માર્ગીય સર્વિસ રોડ બનશે. આ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹1,624 કરોડ છે, જેનો હેતુ અમદાવાદ શહેરની આસપાસ ટ્રાફિક ક્ષમતા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવાનો છે. વડાપ્રધાન આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાને કર્યું હતું.
ગાંધીનગરને મળી ₹281 કરોડના વિકાસકાર્યોની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં શહેરી વિકાસના કુલ ₹281 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા ₹243 કરોડ અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) દ્વારા ₹38 કરોડના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ₹243 કરોડના હાથ ધરાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રોજેક્ટ્સ દ્વારા શહેરમાં આધુનિક અને સુવ્યવસ્થિત રસ્તાની સુવિધાઓ ઊભી થશે, જાહેર સ્વચ્છતા અને આરોગ્યના ધોરણોમાં વધારો થશે, પૂર અને વોટર લૉગિંગ જેવી સમસ્યાઓને અસરકારક રીતે અટકાવવામાં આવશે તેમજ દરેક નાગરિકને શુદ્ધ અને સુરક્ષિત નર્મદા પીવાનું પાણી સતત ઉપલબ્ધ થશે.