અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લગાવ્યા બાદ નિયમોમાં પણ બદલાવ આવી રહ્યો છે. હવે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારત 25 ઓગસ્ટથી અમેરિકા માટેની મોટાભાગની ટપાલ સેવાઓ બંધ કરશે. આ પગલું અમેરિકી સરકારે 30 જુલાઈ 2025ના રોજ જારી કરેલા એક આદેશ પછી આવ્યું છે, જેના અંતર્ગત 800 અમેરિકન ડોલર સુધીના આયાતી માલ પર ટેરિફ છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે.
અમેરિકી સરકારના નિયમ અનુસાર, 29 ઓગસ્ટથી અમેરિકા પ્રવેશતા તમામ માલ પર ઇન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમી પાવર એક્ટ (IEEPA) ટેરિફ હેઠળ કસ્ટમ્સ લાગુ થશે. જોકે 100 અમેરિકન ડોલર સુધીની વસ્તુઓ ટેરિફ છૂટ હેઠળ રહેશે. અમેરિકી આદેશ મુજબ, આંતરરાષ્ટ્રીય ટપાલ નેટવર્ક દ્વારા માલ પહોંચાડતી એરલાઈન્સ અથવા અમેરિકી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા મંજૂર અન્ય પક્ષોને પણ ટપાલ શિપમેન્ટ પર ટેરિફ વસૂલવી અને તેનું પેમેન્ટ કરવું ફરજિયાત છે. આ સંદર્ભે CBPએ 15 ઓગસ્ટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે, પરંતુ હજી ટેક્સ કલેકશન અને તેને મોકલવાની વ્યવસ્થા જેવી ઘણી બાબતો નક્કી થયેલી નથી.
શા માટે ભારતે ટપાલ સેવા રોકી
અમેરિકા જતી એરલાઈન્સે સંચાલન અને તકનીકી તૈયારીના અભાવનો હવાલો આપીને 25 ઓગસ્ટ 2025 પછી ટપાલ સ્વીકારવામાં અસમર્થતા દર્શાવી છે. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને ટપાલ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકા જતી તમામ પ્રકારની ટપાલ વસ્તુઓની બુકિંગ અસ્થાયી રીતે રોકવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હજી પણ 100 અમેરિકન ડોલર સુધીની ટપાલ મોકલી શકાય છે.
સ્પષ્ટીકરણ બાદ જ ફરી શરૂ થશે સેવા
PIB તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, CBP અને USPS તરફથી આગળ સ્પષ્ટતા મળ્યા બાદ, આ છૂટ પ્રાપ્ત શ્રેણીઓને અમેરિકા મોકલવાની અને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રહેશે. ટપાલ વિભાગ તમામ હિતધારકો સાથે સમન્વયમાં ઊભરતી પરિસ્થિતિ પર બારીકીથી નજર રાખી રહ્યું છે અને તાત્કાલિક સેવાઓને સામાન્ય બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે.
ગ્રાહકોને મળશે રિફંડ
ભારતીય ટપાલ વિભાગે જણાવ્યું છે કે જેમણે પહેલેથી જ આવી સેવા બુક કરી હતી અને હવે આ પરિસ્થિતિને કારણે અમેરિકા પાર્સલ મોકલી શકતા નથી, તેઓ રિફંડ માટે ક્લેઈમ કરી શકે છે. ટપાલ વિભાગે ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ દુઃખ વ્યક્ત કર્યું છે અને વિશ્વાસ અપાવ્યો છે કે અમેરિકા માટે સંપૂર્ણ સેવાઓ જલદી પૂનઃ શરૂ કરવામાં આવશે.
ધ્યાન આપવા જેવી બાબત છે કે અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે અને 27 ઓગસ્ટથી તેને વધારીને 50 ટકા કરવાનો પ્લાન બનાવ્યો છે, જેના અર્થ એ થાય છે કે અમેરિકામાં ભારતીય વસ્તુઓ હવે પહેલાં કરતાં વધુ મોંઘી થઈ જશે. આ સાથે બંને દેશો વચ્ચે વેપારી તણાવ પણ વધી રહ્યો છે.