સૌરાષ્ટ્રમાં અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે. તો કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે. આ તમામની વચ્ચે જુનાગઢથી એક સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં જંગલમાં ભારે વરસાદ થતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જૂનાગઢના દામોદર કુંડમાં આવતી નદીમાં પૂર આવ્યું હતું અને અહીંયા પિતૃમોક્ષની વીધી કરવા માટે આવેલા લોકો પૂરમાં ફસાઈ ગયા હતા.
પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે અહીં હજારોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનું તર્પણ આ દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું. ભાવિકો પોતાના પિતૃના મોક્ષ અર્થે પીપળે પાણી ઢોળ કરી મોક્ષની પ્રાર્થના કરે છે. ભાવિકો પાણી ઢોળ કરતા સમયે ગિરનારના જંગલમાં ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું. ભાવિકોને મોક્ષ પીપળેથી બહાર કાઢવામાં આવ્યા અને પૂર આવતા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બીજી તરફ જૂનાગઢમાં ભારે વરસાદની સ્થિતિને લઇ તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે નદી -નાળા છલકાયા છે. તો દામોદર કુંડ, વિલિંગ્ડન ડેમમાં પણ પાણીની ભારે આવક થતા તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને દામોદર કુંડ, વિલિંગ્ડન ડેમ અને જટાશંકર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પરિસ્થિતિ સાનૂકુળ નહીં થાય ત્યાર સુધી આ સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડિઝાસ્ટર શાખા તરફથી કલેક્ટરની સૂચના જાહેર કર્યું છે.