અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ-ડે સ્કુલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની હત્યા કરી નાંખી તેને લઈને માહોલ ગરમાયો છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચમાં સોંપવામાં આવી છે. ત્યારે હવે આ મામલે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન મેદાને આવ્યું છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10મા અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધારદાર હથિયારથી હત્યા કરી હતી. બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલી રહી હતી. ત્યારબાદ ધોરણ 8ના વિદ્યાર્થીએ હત્યા કરી હતી. આ ઘટના બાદ શાળામાં લોકો દ્વારા જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હવે માહિતી સામે આવી રહી છે કે શાળાના સંચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થીના મોત બાદ હવે એએમસી શાળામાં પરવાનગી વગર કોઈ દબાણ કરાયા છે કે નહીં તેની તપાસ કરશે. આ સિવાય શાળામાં શેડ, ભોંયરૂ, ધાબા સહિત અન્ય તપાસ કરવામાં આવશે. જો કંઈ ગેરકાયદેસર હશે તો શાળા પર બુલડોઝર ફરી શકે છે.
વિદ્યાર્થીના મોતની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પહેલા ખોખરા પોલીસ અને કેસ ગંભીર હોવાને કારણે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામં આવી છે. આ તપાસમાં કાળજી રાખવાની હોવાથી ઈલેક્ટ્રોનિક પૂરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ભરત પટેલે કહ્યુ કે મૃતક વિદ્યાર્થી દ્વારા પોલીસ કે અન્ય કોઈને જાણ કરવામાં વિલંબ કર્યો છે, જેનો એક અલગ ગુનો નોંધ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે કહ્યુ કે આ ઘટના અંદાજે બપોરે 12.30 કલાકથી 12.45 કલાક વચ્ચે બની છે. પ્રથમ જાણ એલજી હોસ્પિટલને કરવામાં આવી હતી, જેમાં 50 મિનિટનો સમય ગયો હતો. આ માટે 211, 239 કલમ હેઠળ ગુનો નોંધાયો છે. શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જો તપાસમાં તેમની કોઈ સંડોવણી સામે આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.