ગુજરાતમાં સતત વધી રહેલો ક્રાઈમ રેટ એ ચિંતાનો વિષય છે. ખરેખર નથી સમજાતું કે આ ક્યાં જઈને અટકશે. ગુજરાત રાજ્યમાં અત્યારે તો એવો માહોલ થઈ ગયો છે કે ગમે ત્યારે, ગમે તે, ગમે તેની હત્યા કરી નાંખે છે. જો કે, પોલીસ તંત્ર પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યું છે પરંતુ એ વાત તો નરી આંખે દેખાતા સત્ય જેવી છે કે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ તમામની વચ્ચે સુરેન્દ્રનગરથી હત્યાનો એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીના ઝઘડા બાદ કેટલાક શખ્સો કારમાં ધસી આવ્યા હતા અને જેની સાથે બોલાચાલી થઈ હતી તે યુવાન પર ફાયરીંગ કરી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જો કે, અત્યારે તો ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ રાજ્યમાં વધી રહેલા આ પ્રકારની ગુનાખોરીના કિસ્સાઓ હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે.
આ બનાવ અંગે જોરાવરનગર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝભાઈ માલાણીને અગાઉ ઈરફાનભાઇ ગફુરભાઈ ભટ્ટી સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી ઇરફાનભાઇ ગફુરભાઈ ભટ્ટીએ ઈમ્તિયાઝભાઈ માલાણી અને તેમના પિતરાઈભાઈ રોનક મોવરને વોટ્સએપ કોલ કરી રતનપર સુધારા પ્લોટ બહાર મુખ્ય રસ્તા પર બોલાવ્યા હતા અને ઈમ્તિયાઝ અને તેનો ભાઈ એક્ટિવા પર ત્યાં જઈ રહ્યા હતા.
તે દરમિયાન સ્કોર્પિયો કાર લઈ અમુક શખ્સો ધસી આવ્યા હતા અને ઈમ્તિયાઝ ભાઈ કાઈ સમજે તે પહેલા જ કાર વડે એક્ટીવા ને ટક્કર મારી હતી. આથી ઈમ્તિયાઝ અને તેનો ભાઈ રોનક બંને એક્ટીવા પરથી નીચે પટકાયા હતા અને જીવ બચાવવા ઈમ્તિયાઝભાઈ અને રોનકે ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કરતા ઉશ્કેરાયેલા રિયાઝ ભટ્ટીએ તેની પાસે રહેલ હથિયાર વડે અંદાજે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ રમઝાને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ઈમ્તિયાજભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.