ગુજરાતમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડઃ એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય

છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજાએ ગુજરાતમાં વિરામ લીધો છે. ખેડૂતોએ વાવણી કરી લીધી પરંતુ વરસાદ ન આવતા સિંચાઈના પાણીથી પાકને પોષણ આપવું પડી રહ્યું છે. ત્યારે સહુ કોઈ રાહ જોઈને બેઠા છે કે, હવે વરસાદ આવે તો સારું. આ તમામની વચ્ચે ગુજરાતના હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાત હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે 14 ઓગસ્ટથી 19 તારીખ સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વરસાદમાં તીવ્રતા આવશે.

હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ, કચ્છ પર અપર એર સાક્લોનિક સર્ક્યુલેશન, પૂર્વ પશ્ચિમ મોન્સૂન ટ્રફ સહિત ચાર સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વધી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે 14 ઓગસ્ટે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, વલસાદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 15 ઓગસ્ટે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ તાપી જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, ભરૂચ અને જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે.

Share This Article
Translate »