લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુણેની વિશેષ અદાલતમાં હાજરી દરમિયાન પોતાની જાનને ખતરો હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે વીર સાવરકર વિશે આપેલા નિવેદનને કારણે તેમને જાનનો ખતરો છે. રાહુલે કહ્યું કે બે નેતાઓએ તેમને ધમકી આપી હતી. હાજરી દરમિયાન રાહુલે વધારાની સુરક્ષાની માંગણી કરી હતી. હકીકતમાં, આ કેસ વીર સાવરકર વિરુદ્ધની કથિત માનહાનિની ટિપ્પણી સાથે સંબંધિત છે, જેમાં ફરિયાદી સત્યાકી સાવરકરે રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
રાહુલ ગાંધી તરફથી વકીલ મિલિંદ દત્તાત્રેય પવારે અદાલતમાં લેખિત અરજી આપીને જણાવ્યું કે ફરિયાદી નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના વંશજ છે, જેઓનો ઇતિહાસ હિંસક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. પવારે આક્ષેપ કર્યો કે વર્તમાન રાજકીય વાતાવરણ અને કેટલાક નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોને કારણે રાહુલ ગાંધીની જાનને ગંભીર ખતરો છે. અદાલતે આ અરજીને રેકોર્ડમાં લીધી છે.
ફરિયાદી નાથુરામ ગોડસેના વંશજ
રાહુલ ગાંધીએ જણાવ્યું કે ફરિયાદી નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના વંશજ છે, જેઓનો ઇતિહાસ હિંસક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહ્યો છે. આ દરમ્યાન રાહુલે રવનીત સિંહ બિટ્ટુ અને તરવિંદર સિંહ મારવાહનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રવનીતે રાહુલ ગાંધીને આતંકી કહ્યા હતા
રાહુલ ગાંધીની અરજીમાં રવનીત સિંહ બિટ્ટુનું નામ છે. રવનીતે રાહુલને દેશનો નંબર-એક આતંકવાદી ગણાવ્યો હતો. ઉપરાંત, અરજીમાં ભાજપ નેતા તરવિંદર સિંહ મારવાહનું પણ નામ છે. મારવાહે પણ રાહુલ ગાંધીને ધમકી આપી હતી. તરવિંદર સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધીનું હાલ દાદી જેવું થશે. રાહુલના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે સુનાવણી દરમિયાન રાહુલને વધારાની સુરક્ષા આપવામાં આવે.
સાવરકરના પૌત્રે નોંધાવી ફરિયાદ
વી.ડી. સાવરકરના પૌત્ર સત્યાકી સાવરકરે પુણે કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે રાહુલ ગાંધીએ લંડનમાં એક ભાષણમાં દાવો કર્યો હતો કે સાવરકરે પોતાની પુસ્તકમાં લખ્યું છે કે તેમણે અને તેમના મિત્રોએ એક મુસ્લિમ વ્યક્તિને માર્યો હતો અને તેને લઈને તેમને આનંદ થયો હતો. સત્યાકીએ આ દાવાને ખોટો ગણાવ્યો હતો, કારણ કે સાવરકરની રચનાઓમાં આવી કોઈ ઘટના અથવા પુસ્તકનો ઉલ્લેખ નથી.