સુરતથી સામૂહિક આપઘાતની એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. જિંદગીથી કંટાળી ગયેલી એક મહિલા રેલવે ટ્રેક પર બે બાળકો સાથે સૂઈ ગઈ હતી. ટ્રેન આવી અને ટ્રેનની નીચે મહિલા આવી જતા તેનું મોત થયું છે અને બાળકો બચી ગયા છે. મહિલાના બંન્ને બાળકોને સામાન્ય ઈજા થતા અત્યારે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, સુરત રેલવે સ્ટેશન પર આજે બપોરના સમયે એક મહિલા તેના બે બાળકોને લઈને ટ્રેક પર સૂઈ ગઈ હતી. ત્યારે ટ્રેક પર આવી રહેલી માલગાડીની અડફેટે આવતા આ મહિલાનું મોત થયું હતું. જો કે, બાળકો આ ઘટનામાં બચી ગયા છે અને તેમને સામાન્ય ઈજા થઈ હોવાથી તેમને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનમાં આ બનાવ બનવાને કારણે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાએ કયા કારણે આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી.
બાળકોએ ગુમાવી માતા
આ મહિલાનો ઈરાદો હતો કે, તે પોતાના બાળકોને લઈને આપઘાત કરે. પરંતુ આ ઘટનામાં બાળકો બચી ગયા છે અને તેમની માતાનું મોત થયું છે. ત્યારે હવે આ બાળકોના જીવન પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. કારણ કે, બાળકોએ પોતાની માતા ગુમાવી છે અને એમનો સહારો હવે જતો રહ્યો છે. આ એક કરૂણ ઘટના છે. કારણ કે, બે બાળકો માતા વિહોણા બની ગયા છે.
સુરતમાં શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સામૂહિક આપઘાતના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં નવ જેટલા આપઘાતના બનાવો સામે આવ્યા છે. જેમાં ત્રણ તો સામૂહિક આપઘાતની ઘટના બની છે. આ પહેલા એક માતાએ પોતાના બે વર્ષના બાળકને દૂધમાં ઝેર આપી પોતે પણ ઝેર પીધું હતું. તો તાજેતરમાં બે મિત્રોએ ઝેર પીને બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી હતી.