ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. છાશવારે દેવાયત ખવડના વિવાદો અને માથાકૂટોની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામમાં તેમની ફોર્ચ્યુનર કારે કિયા કારને ટક્કર મારી, જેના કારણે અમદાવાદના એક યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ ઘાયલ થયા છે.
જો કે, વાત એવી સામે આવી રહી છે કે, આ માત્ર એક એક્સિડન્ટ નથી. પરંતુ આ ઘટના પાછળ છ મહિના પહેલા થયેલી જૂની માથાકૂટ કારણભૂત હોવાનું મનાય છે. આ અકસ્માત બાદ દેવાયત ખવડ અને તેમના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેનાથી આ મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને સામસામે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કિયા કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ધ્રુવરાજસિંહને પગમાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહને માર માર્યો હોવાના પણ સમાચાર છે. ઘાયલ થયેલા ધ્રુવરાજસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટના પાછળનું કારણ
પોલીસ દ્વારા જે પ્રાથમિક તપાસ થઈ છે તે અનુસાર, આ ઘટના પાછળ 6 મહિના પહેલા થયેલી એક જૂની માથાકૂટ જવાબદાર હોઈ શકે છે. અમદાવાદના સનાથલ ખાતે 20 ફેબ્રુઆરીએ એક ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ ગેરહાજર રહ્યા હતા, જેના કારણે તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય 4 લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ, હુમલો કરનારા આરોપીઓમાંથી એક ભગવતસિંહે દેવાયત ખવડ વિરુદ્ધ ₹8 લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસની કાર્યવાહી
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના ત્રણ મિત્રો ગઈકાલે ચિત્રાવડ ગામે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસના આધારે દેવાયત ખવડ અને તેમના માણસોએ રેકી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું મનાય છે. પીઆઈ જે.એન. ગઢવીએ જણાવ્યું છે કે આ અંગેની માહિતી મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. દેવાયત ખવડ અને તેમના માણસોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.