બોલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશીના ભાઈની પાર્કિંગ જેવી નજીવી બાબતે હત્યા!

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્કૂટી પાર્કિંગના વિવાદને લઈને બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના 42 વર્ષીય પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે નિઝામુદ્દીનના જંગપુરા ભોગલ લેનમાં બની હતી. હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે આસિફ કુરેશીનો ગુરુવારે મોડી રાત્રે કેટલાક લોકો સાથે સ્કૂટી ગેટ સામેથી હટાવીને બાજુમાં પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ આરોપીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલા બાદ, આસિફને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આસિફની પત્ની અને સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ નાની વાત પર તેના પર ક્રૂર હુમલો કર્યો હતો.

દિલ્હી પોલીસે આ સંદર્ભમાં બીએનએસની કલમ 103(1)/3(5) હેઠળ એફઆઈઆર નોંધી છે અને બંને આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ સગા ભાઈઓ છે. આરોપીઓની ઓળખ – 19 વર્ષીય ઉજ્જવલ અને 18 વર્ષીય ગૌતમ તરીકે થઈ છે. આરોપીઓ આસિફ કુરેશીના ઘરની નજીક પણ રહે છે. પોલીસે જણાવ્યું કે ઝઘડા દરમિયાન, એક આરોપીએ આસિફની છાતી પર તીક્ષ્ણ વસ્તુ (પોકર) વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

આસિફની પત્ની સૈનાઝ કુરેશીએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ અગાઉ પણ પાર્કિંગ વિવાદને લઈને તેની સાથે ઝઘડો કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે ગુરુવારે જ્યારે આસિફ કામ પરથી પાછો ફર્યો ત્યારે તેણે ઘરના મુખ્ય દરવાજાની સામે પાડોશીની સ્કૂટી પાર્ક કરેલી જોઈ, ત્યારબાદ તેણે તેને ત્યાંથી હટાવવાનું કહ્યું.

તેમણે આરોપ લગાવ્યો કે સ્કૂટી સ્થળ પરથી હટાવવાને બદલે, પડોશીઓએ આસિફ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને પછી તેના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો.  પોલીસે સમગ્ર મામલે કેસ નોંધ્યો છે અને ઘટના પછીથી ફરાર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

Share This Article
Translate »