કેટલાક લોકો અને ખાસ કરીને અત્યારના યુવાનો સાથે એવું થતું હોય છે કે તેઓ ભણવામાં તો ખૂબ જ હોશિયાર હોય પરંતુ જ્યારે પાંચ-પચીસ લોકો વચ્ચે બોલવાની વાત આવે ત્યારે એ લોકોને તકલીફ પડતી હોય છે. અને આના કારણે અનેક મોરચે તે લોકોને પીછેહઠ કરવી પડતી હોય છે. પરંતુ હવે આવા લોકો માટે અમે અમારા આ આર્ટિકલમાં એક ગજબનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. નીચે આપવામાં આવેલી પદ્ધતીઓ અપનાવશો તો તમારી બોલવાની ક્ષમતા સુધરશે. તમે જાહેરમાં સારી જગ્યાએ સારું અને યોગ્ય બોલી શકશો. તમે સારા વક્તા પણ બની શકો છો.
પહેલા તો સારા શ્રોતા બનો
વક્તા બનવાનો નિયમ એ છે કે, કોઈપણ વક્તા પહેલા તો સારો શ્રોતા હોવો જોઈએ. સતત તમારા કામને લગતી વાતો, પ્રવચનો, તમારા રિલેટેડ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સાંભળો. કારણ કે, જો તમે સારા શ્રોતા હશો, તમે કંઈક સારું સાંભળ્યું હશે તો જ સારું બોલી શકશો.
ભાષા શુદ્ધ બોલતા શીખી જાઓ
જ્યારે કોઈપણ વ્યક્તિ જાહેરમાં કંઈક વાત કરતો હોય અથવા તો કોઈ વક્તવ્ય આપતો હોય ત્યારે તેની ભાષા એકદમ શુદ્ધ હોવી જરૂરી છે. શુદ્ધ ભાષા બોલવાથી ફાયદો એ થશે કે, તમે જે બોલો છો એ લોકોને સાંભળવું ગમશે અને તમારું પ્રવચન કે વક્તવ્ય પ્રભાવશાળી બનશે.
દરરોજ Mirror Practice કરો
કોમ્યુનીકેશન સ્કિલમાં સુધારો કરવા માટે, દરરોજ Mirror Practice કરવી જરૂરી છે. અરીસા સામે ઊભા રહો અને તમારું નામ, શાળા અથવા કોલેજની કોઈ વાર્તા કહેવાનો પ્રયાસ કરો. જો તમે ઈચ્છો તો, તમારા ભાઈ-બહેનો અથવા મિત્રોની સામે પણ બોલવાની આદત બનાવો. અરીસા સામે જોઈને, બોલો, તમારું પોતાનું માર્કિંગ કરો અને નક્કી કરો કે કઈ જગ્યાએ બોલવામાં, એક્સપ્રેશનમાં કે પછી પ્રેઝન્ટેશનમાં શું ખૂટી રહ્યું છે.
જો તમે ભૂલ કરો છો તો ડરો નહીં!
બોલતી વખતે ભૂલો થવી સામાન્ય છે. જો આવું થાય, તો તમારી જાત પર હસો અને આગળ વધો. તમે દરેક વાતચીતમાંથી કંઈક નવું શીખો છો. તમારી પ્રશંસા કરવાનું શીખો અને ધીમે ધીમે તમારા ખચકાટને દૂર કરો.