આપણે કેટલાય વડીલોને જોયા છે, કે જ્યારે તે લોકો મંદિરે જાય તો મંદિરમાં ભગવાનના દર્શન કરીને થોડીવાર માટે પગથીયા પર બેસે અને પછી ભગવાનને વંદન કરીને ત્યાંથી રજા લે છે. પણ ભગવાનના મંદિરના પગથીયા પર બેસવાનું એક મહત્વનું અને ગજબ કારણ છે.
જૂની પરંપરાઓમાં મંદિરમાં દર્શન કરીને મંદિરના પગથીયા પર બેસવાનું મહાત્મ્ય હતું. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, મંદિરના શિખરને દેવ વિગ્રહ (ભગવાનની મૂર્તિનો ચહેરો) કહેવામાં આવે છે અને તેના પગથિયાને ચરણ પાદુકા કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના પગથિયે થોડો સમય બેસીને તમારે તમારા દેવતાને યાદ કરવા જોઈએ. આવું કરવાથી મનગમતી ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે.
જ્યારે તમે મંદિરના પગથિયે બેસો અને ભગવાનને યાદ કરતી વખતે પ્રાર્થના કરો છો, ત્યારે નીચે આપેલો આ શ્લોક જરૂરથી વાંચો.
अनायासेन मरणम्, बिना दैन्ये जीवनम्।
देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम्।।
અર્થાતઃ- આ શ્લોકનો અર્થ એ છે કે, મૃત્યુ અને ગરીબી એવી હોવી જોઈએ કે તેમાં કોઈ પીડા ન હોય તેમજ મૃત્યુ આવે ત્યારે તે તમારા સાનિધ્યમાં શાંતિપૂર્વક આવે.
મંદિર નિર્માણનું વિજ્ઞાન!
મંદિરનું નિર્માણ વૈજ્ઞાનિક રીતે થતું હોય છે. મંદિર એવી રીતે બનાવાય છે કે જ્યાં શાંતિ અને દિવ્યતા ઉત્પન્ન થાય છે. મંદિરમાં મૂર્તિની સ્થાપના હંમેશા ગુંબજની નીચે કરવામાં આવે છે. જે ધ્વનિ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી બનાવાય છે. ગુંબજને કારણે મંદિરમાં થતા મંત્રોચ્ચારનો સ્વર ગુંજે છે અને મંદિરમાં આવતી દરેક વ્યકિતને પ્રભાવિત કરે છે.
ગુંબજ અને મૂર્તિનું મધ્યબિંદુ એક હોવાથી મૂર્તિમાં નિરંતર ઊર્જા પ્રવાહિત થાય છે. એટલા માટે જ જ્યારે મૂર્તિને સ્પર્શ કરી તેની સામે માથું નમાવીએ છીએ, ત્યારે તે સકારાત્મક ઊર્જા આપણી અંદર પણ પ્રવાહિત થાય છે. તેનાથી આપણી અંદર શક્તિ, ઉત્સાહનો સંચાર થાય છે.
ખુલ્લા પગે મંદિર પ્રવેશ
આપણે બધા જાણીએ છીએ કે મંદિરમાં પ્રવેશતા પહેલા આપણે આપણા પગરખાં કે ચંપલ બહાર ઉતારી દઈએ છીએ. ખુલ્લા પગે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. જ્યારે આપણે મંદિરની અંદર ખુલ્લા પગે ચાલીએ છીએ અને ભગવાનની આસપાસ પરિક્રમા કરીએ છીએ ત્યારે આપણા પગમાં રહેલા પ્રેશર પોઇન્ટ ઉપર દબાણ પડે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. મંદિરની અંદર ખુલ્લા પગે જવાથી સકારાત્મક ઊર્જા પગ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે.
ઘંટારવ અને શંખનાદ
મંદિરની પવિત્રતા પણ આપણાં અંતરમનને પ્રભાવિત કરે છે. વ્યક્તિને પોતાની અંદર અને બહાર પવિત્રતા રાખવાની પ્રેરણા મંદિર આપે છે. મંદિરમાં વગાડવામાં આવતો શંખ અને ઘંટનો અવાજ પણ વાતાવરણમાંથી નકારાત્મકતાને દૂર કરે છે. તમે દરેક દર્શનાર્થીને ઘંટ વગાડીને મંદિરમાં પ્રવેશ કરતાં જોયા હશે. ઘંટનો અવાજ દેવમૂર્તિને જાગૃત કરે છે, જેથી તે આપણી પ્રાર્થના સાંભળી શકે.
ભગવાનની મૂર્તિ
જ્યારે આપણે મંદિરે જઈએ છીએ અને મંદિરમાં રહેલા ભગવાનની મૂર્તિની સામે ઊભા રહીને આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે તેનાથી આપણા મગજના ખાસ ભાગ ઉપર દબાણ પડવા લાગે છે. જેથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મંદિરમાં સ્થાપિત દેવ પ્રતિમા આપણી આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે.
આપણે મૂર્તિની સામે બેસી હાથ જોડી, આંખ બંધ કરી એકાગ્ર થઈએ છીએ. આ એકાગ્રતા જ વ્યક્તિને ભગવાન સાથે એકાકાર કરે છે. તે સમય આપણે આપણી અંદર જ ઈશ્વરની ઉપસ્થિતિની અનુભૂતિ કરીએ છે. આવી રીતે જ એકાગ્ર થઈ ચિંતન-મનન કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન મળી શકે છે.
ભગવાનની આરતી, હવન
મંદિરની અંદર ભગવાનની આરતી કરવામાં આવે છે. આરતી આપણી મગજની પ્રવૃત્તિને યોગ્ય કરે છે અને તાણ પણ દૂર કરી દે છે. આ સિવાય મંદિરમાં હવન જેવા કાર્ય થતા રહે છે. હવનમાંથી નીકળતો ધુમાડો દૂષિત જીવાણુઓને મારી નાખે છે. અને તેનાથી વાયરલ ચેપનું જોખમ પણ દૂર થઇ જાય છે.
તાલીનું રહસ્ય
મંદિરની અંદર ભક્તો આરતી સમયે તાળીઓ વગાડે છે. તાળીઓ વગાડવાથી આપણા શરીરના જુદા જુદા ભાગો યોગ્ય રીતે કાર્ય કરે છે. તેનાથી આપણી આંતરિક શક્તિ પણ મજબૂત બને છે.
તિલક લગાવવું
જ્યારે આપણે મંદિરે જઈએ છીએ ત્યારે ભગવાનના દર્શન કર્યા પછી કપાળ ઉપર તિલક લગાવીએ છીએ. જ્યારે કપાળ ઉપર તિલક લગાવતા હોઈએ છીએ, ત્યારે આપણા મગજના કોઈ ખાસ ભાગ ઉપર દબાણ પડે છે. તેનાથી આપણી એકાગ્રતા વધે છે. એટલે કે મંદિર એ માત્ર મનોકામનાઓની પૂર્તિનું ધામ જ નથી પણ, તન-મનની શુદ્ધિનું કેન્દ્ર પણ છે. જે વ્યક્તિને કરાવે છે સકારાત્મક ઊર્જા અને સ્વસ્થ જીવનની પ્રાપ્તિ.