IPO માં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટાટા કેપીટલ પોતાનો એક નવો IPO લાવી રહ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની ટાટા કેપીટ દ્વારા 47.58 કરોડ રૂપીયાના આઈપીઓ માટે સેબી પાસે અપડેટેડ દસ્તાવેજો ફાઈલ કરવામાં આવ્યા છે. SEBI પાસે ફાઇલ કરાયેલા દસ્તાવેજો (DRHP) અનુસાર, પ્રસ્તાવિત IPO 21 કરોડ નવા શેર અને 26.58 કરોડ શેરની વેચાણ ઓફરનું સંયોજન છે. વેચાણ ઓફરમાં ટાટા સન્સના 23 કરોડ શેર અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનના 3.58 કરોડ શેરનું વેચાણ શામેલ છે.
કંપનીએ અગાઉ એપ્રિલમાં ગોપનીય માર્ગ દ્વારા IPO દસ્તાવેજો ફાઇલ કર્યા હતા અને જુલાઈમાં SEBIની મંજૂરી પણ મેળવી હતી. આ પછી કંપનીઓએ RHP ફાઇલ કરતા પહેલા અપડેટેડ DRHP ફાઇલ કરવી પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, IPOનું કદ 2 બિલિયન અમેરિકન ડોલર જેટલું હોઈ શકે છે, જેનાથી કંપનીનું મૂલ્ય લગભગ 11 બિલિયન અમેરિકન ડોલર હોય શકે છે. જો આ IPO સફળ થાય છે, તો તે દેશના નાણાકીય ક્ષેત્રમાં સૌથી મોટું પ્રારંભિક શેર વેચાણ હશે. નવેમ્બર 2023માં ટાટા ટેક્નોલોજીસના લિસ્ટિંગ પછી તાજેતરના વર્ષમાં ટાટા ગ્રુપનો આ બીજો IPO હશે.
RBI દ્વારા ટાટા કેપિટલ સહિત મોટી શેડો બેન્કોને સપ્ટેમ્બરના અંત સુધીમાં લિસ્ટેડ થવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ટાટા ગ્રુપનું આ પગલું RBIની ફરજિયાત જરૂરિયાતને અનુરૂપ છે કે, “ઉચ્ચ-સ્તરીય” NBFCsને સૂચનાના ત્રણ વર્ષની અંદર એટલે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં લિસ્ટેડ થવું જરૂરી છે. ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસિસ જે જાન્યુઆરી 2024માં ટાટા કેપિટલ સાથે મર્જ થઈ હતી, તે નિયમનકારની યાદીમાં છે.