અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ફરીથી એકવાર પોતાના તેવર બતાવ્યા છે. તેમણે દુનિયાના કેટલાય દેશોમાંથી દવાઓ આયાત કરવા પર ટેરીફ લગાવવાની ચેતવણી આપી દિધી છે. ટ્રંપ ઈચ્છે છે કે અમેરિકા હવે પોતાની જરૂરીયાતની દવાઓ પોતે જ બનાવે. ટ્રંપ આમાં ખાસ કરીને ભારત અને ચીનને નિશાને લઈ રહ્યા છે કારણ કે, આ બંન્ને દેશ અમેરિકાને દવા પૂરી પાડવાની બાબતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ટ્રમ્પનો દાવો છે કે, આનાથી અમેરિકાને પોતાના દેશમાં દવાઓના ઉત્પાદન પર ભરોસો વધશે અને સુરક્ષા મજબૂત થશે. પરંતુ એક રિપોર્ટમાં એવું સાબિત થયું છે કે, ભારતને હેરાન કરવાના ચક્કરમાં અમેરિકા પોતે જ ફસાઈ ગયું છે.
મોટી કંપનીઓ કરી રહી છે મોટું રોકાણ
ટ્રંપની આ ધમકી બાદ મોટી-મોટી કંપનીઓએ અમેરિકામાં પોતાની ફેક્ટરીઓ વધારવાની વાત કહી છે. CNNના રિપોર્ટ અનુસાર, એસ્ટ્રાજેનેકા અમેરિકામાં 50 અરબ ડોલરનું રોકાણ કરશે. જોનસન એન્ડ જોનસન પણ 55 અરબ ડોલરનું રોકાણ કરવાનો પ્લાન બનાવી રહી છે. તો લિલી 27 અરબ ડોલરનું રોકાણ કરવાની તૈયારીમાં છે. કુલ મળીને દવા કંપનીઓ આશરે 250 અરબ ડોલર અમેરિકામાં લગાવવાની તૈયારીમાં છે. ટ્રંપનું કહેવું છે કે, આ પગલું દેશની સુરક્ષા અને દવાઓની કિંમત ઘટાડવા માટે જરૂરી છે પરંતુ રિપોર્ટ અનુસાર આટલું બધું કર્યા બાદ પણ દવાઓના ભાવો તો ઘટવાના નથી જ એ નક્કી છે.
શું સાચ્ચે જ અમેરિકા બની શકશે આત્મનિર્ભર?
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, અમેરિકાને દવાઓ માટે આત્મનિર્ભર થવું એટલું સરળ નથી. દવા બનાવવા માટે ફેક્ટરી જ જરૂરી નથી હોતી પરંતુ કાચો માલ પણ જરૂરી હોય છે અને આ જ કાચો માલ આજે પણ અમેરિકાને બહારથી મંગાવવો પડે છે. એટલે કે, અમેરિકા દવાઓ પોતાના ત્યાં બનાવે પણ તેણે કાચો માલ તો ભારત, ચીન અથવા અન્ય દેશોમાંથી જ લેવો પડશે. આ સિવાય અમેરિકામાં દવાઓ બનાવવી સસ્તી નથી. કારણ કે, ત્યાં મજૂરોથી લઈને મશીન તેમજ વિજળી સુધીનો તમામ ખર્ચ ખૂબ જ મોંઘો છે. એટલે જો અમેરિકામાં દવા બનશે તો પણ તે સામાન્ય માણસ માટે તો વધારે ભાવની જ હશે.