वन्दे देव उमा-पतिं सुर-गुरुं वन्दे जगत्कारणम्
वन्दे पन्नग-भूषणं मृगधरं वन्दे पशूनां पतिम् ।
वन्दे सूर्य-शशांक-वह्नि-नयनं वन्दे मुकुन्द-प्रियम्
वन्दे भक्त-जनाश्रयं च वरदं वन्दे शिवं शंकरम् ॥
વાત કરવી છે ભગવાન શિવના મહિમાની. તો ભગવાન શિવ આ જગતનું મૂળ છે. શિવ મહાપૂરાણ તો ત્યાં સુધી કહે છે કે શિવલિંગની પૂજા કરવાથી તમામ ગ્રહો, તમામ નક્ષત્રો અને તમામ દેવી દેવતાઓની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ દેવોના પણ દેવ હોવાથી તેમને મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવ અજન્મા છે.
અને એટલે નીચે આપેલા પુષ્પદંતજી રચીત “શ્રી શિવમહિમ્ન સ્તોત્રમ”ના એક શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે કે…
निराकारमोंकारमूलं तुरीयं। गिरा ग्यान गोतीतमीशं गिरीशं॥
करालं महाकाल कालं कृपालं। गुणागार संसारपारं नतोऽहं॥2॥
ભાવાર્થ
નિરાકાર, ઓમકારના મૂળ, તુરીય અર્થાત ત્રણેય ગુણોથી યુક્ત, વાણી, જ્ઞાન અને ઈન્દ્રીયોથી પરે, કૈલાસ પતિ, વિકરાળ, કાળના પણ કાળ એવા મહાકાલ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી પરે એવા પરમેશ્વર આપને હું નમસ્કાર કરું છું.
ભગવાન શિવ જે શાંત સ્વરૂપ છે, પદ્માસનમાં બિરાજમાન છે, મસ્તક પર ચંદ્રમાનો મુકુટ ધારણ કરનારા છે, જેમના પાંચ મુખ છે, ત્રણ નેત્ર છે જે એમના જમણા ભાગની ભુજાઓમાં શૂલ, વજ્ર, ખડગ, પરશુ અને અભય મુદ્રા ધારણ કરે છે અને ડાબા ભાગની ભુજાઓમાં સર્પ, પાશ, ઘંટા, પ્રલયાગ્નિ અને અંકુશ ધારણ કરે છે, તે વિવિધ અલંકારોથી વિભૂષિત અને સ્ફટિક મણિ સમાન શ્વેતકર્ણવાળા છે તે પાર્વતીપત ભગવાન શિવને હું નમસ્કાર કરું છું.
નિર્વિકાર, નિરાકાર, સચ્ચિદાનંદ, પરબ્રહ્મ, પરમાત્માનું વૈદિક નામ જ શિવ છે. શિવજી બ્રહ્મા અને વિષ્ણુ એ આદિ દેવોના અને અન્ય તમામ દેવોના આરાધ્ય છે. શ્વેતાશ્વતરોપનિષદમાં કહેવાયું છે
તમીશ્વરાણાં પરમં મહેશ્વરં, તં દેવતાનાં પરમશ્ચ દૈવતમ્ ।
પતિં પતીનાં પરમં પરસ્તાત્, વિદામ દેવં ભૂવનેશમીડયમ ।
અર્થાત… બધા નિયંતાઓના મહાન નિયન્તા, બધા દેવતાઓના પરમ દેવતા, પ્રજાપતિ બ્રહ્મા વગેરેના સ્વામી, સ્વયં પ્રકાશરૂપ, બધા લોકોના અધિપતિ અને પૂજ્ય, બધાથી મહાન, મહેશ્વર, મહારુદ્ર ભગવાન શિવને આપણે જાણીએ. એમના તત્વનો સાક્ષાત્કાર કરીએ.
બિલ્વ પત્રનો મહિમા
પુરાણોમાં બિલ્વપત્ર સાથે જોડાયેલી બે કથાઓ મળી આવે છે. પદ્મ પુરાણ અનુસાર માં પાર્વતીજીના પ્રસ્વેદમાંથી બિલ્વપત્રની ઉત્પપ્તિ થઈ છે. અને પુરાણોમાં વર્ણવવામાં આવેલી એક કથા એવું પણ કહે છે કે, માં લક્ષ્મીજીમાંથી બિલ્વ પત્રની ઉત્પત્તિ થઈ છે, અને એટલે જ બિલ્વ પત્રના વૃક્ષને શ્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે.
શિવપુરાણ અનુસાર, સમુદ્ર મંથનમાંથી નીકળતા વીષ ને કારણે વિશ્વ સંકટમાં હતું. ત્યારે ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે વિષને ગ્રહણ કર્યુ આ કારણે ભગવાન શિવના શરીરનું તાપમાન વધવા લાગ્યું અને સમગ્ર બ્રહ્માંડ આગની જેમ ગરમ થવા લાગ્યું. જેના કારણે પૃથ્વીના તમામ જીવોનું જીવન મુશ્કેલ બની ગયું હતું. સૃષ્ટિના હિતમાં વિષની અસરને દૂર કરવા માટે દેવતાઓએ શિવને બીલ્વપત્ર ખવડાવ્યા હતા. બીલના પાન ખાવાથી વિષની અસર ઓછી થઈ, ત્યારથી પ્રભુ શિવને બીલીના પાન ચઢાવવાની પ્રથા બની ગઈ છે.
મુખ્યત્વે એક બિલ્વપત્રના ત્રણ પાન હોય છે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ શિવલિંગ પર પાણીની સાથે માત્ર બિલ્વના પાન ચઢાવે છે તો તેને ખૂબ જ ઝડપથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. એક દંતકથા અનુસાર, એક શિકારી શિકાર માટે બિલ્વપત્રના ઝાડ પર ચઢ્યો હતો. શિકારની રાહ જોતી વખતે શિકારીએ અજાણતાં જ બિલ્વનાં પાંદડાં તોડીને નીચે ફેંકવાનું શરૂ કર્યું. ઝાડ નીચે એક શિવલિંગ હતું, તે શિકારીએ ફેંકેલા બિલ્વના પાંદડા શિવલિંગ પર પડી રહ્યા હતા. આથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને શિકારી સમક્ષ હાજર થયા. આ કારણથી શિવલિંગ પર બિલ્વના પાન ચઢાવવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે.
બિલ્વપત્ર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
અષ્ટમી, ચતુર્દર્શી, અમાવસ્યા અને રવિવારે બિલ્વના પાન ન તોડવા જોઈએ. આ દિવસો દરમિયાન બજારમાંથી ખરીદેલા બિલ્વના પાન શિવલિંગને અર્પણ કરી શકાય છે.
બિલ્વવૃક્ષ પરથી બિલ્વપત્ર તોડતા પહેલા બિલ્વ વૃક્ષ પાસે બે હાથ જોડી અને તેમની આજ્ઞા લેવી જરૂરી છે. બિલ્વ વૃક્ષ સામે બે હાથ જોડીને તેમને પ્રાર્થના કરવી કે હે પ્રભુ હું ભગવાન શિવને અર્પણ કરવા માટે આપની પાસેથી બિલ્વ પત્ર લેવા માંગુ છું, તો કૃપા કરીને આપ મને બિલ્વ પત્ર આપવાની કૃપા કરશો. આમ કહીને બહુ જ આદર પૂર્વક બિલ્વ વૃક્ષને પ્રણામ કરીને પછી જ બિલ્વ પત્ર તોડવું જોઈએ.
શિવલિંગ પર ચઢાવેલા બિલ્વના પાન વાસી નથી માનવામાં આવતા. એ જ બિલ્વપત્રને ધોઈને ફરીથી પૂજામાં અર્પણ કરી શકાય છે.
જો તાજું બિલ્વપત્ર ઉપલબ્ધ ન હોય તો તમે શિવલિંગ પર મૂકેલા બિલ્વપત્રને ધોઈને ફરીથી શિવલિંગ પર ચઢાવો.
શિવપુરાણમાં બિલ્વ વૃક્ષને ભગવાન શિવના સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. તે શ્રી દેવી લક્ષ્મીનું એક નામ છે. આ કારણથી બિલ્વની પૂજા કરવાથી પણ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
આ વૃક્ષના મૂળમાં ગિરિજા, થડમાં મહેશ્વરી, ડાળીઓમાં દાક્ષાયણી, પાંદડામાં પાર્વતી, ફૂલોમાં ગૌરી અને ફળોમાં કાત્યાયની દેવીનો વાસ છે. આ કારણથી આ વૃક્ષને દિવ્ય વૃક્ષ કહેવામાં આવે છે.
બિલ્વપત્રનું નિયમિત સેવન આપણા શરીરમાં વાત, પિત્ત અને કફને નિયંત્રિત કરે છે. બિલ્વ પત્રમાં ટેનીન સહિતના અનેક એવા તત્વો રહેલા છે કે જે માણસના રોગોને દૂર કરી શકે છે. બિલ્વપત્રના વૃક્ષનું સેવન કરવાથી ડાયાબિટીઝ જેવી બિમારીઓ પણ મટી શકે છે. અને એટલે જ આજના મેડિકલ સાયન્સમાં ડાયાબિટીસની દવા બનાવવા માટે બિલ્વ પત્રના પાનના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, આવું પ્રસિદ્ધ કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતાજી કહે છે.