ચોરો હવે પોલીસને એ રીતે પડકાર આપી રહ્યા છે જેને જોઈને ચોંકી જવાય. રાજકોટ-ભાવનગર હાઈવે પર આવી જ એક ઘટના ઘટી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજકોટ-ભાવનગર હાઈવે પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને નિશાન બનાવીને 3 થી 4 અજાણ્યા લોકોએ ઘાતક હથિયારો બતાવીને રૂપીયા 37 લાખની લૂંટ કરી છે. ત્યારે આ ઘટનાને લઈને હાઈવેની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ વ્યક્તિ કારમાં મૂસાફરી કરી રહ્યો હતો ત્યારે લૂંટારૂઓએ તેની ગાડી અટકાવીને આ ગુનો આચાર્યો હતો. આ ઘટના સૂચવે છે કે, હાઈવે પર મૂસાફરી કરતા લોકોની સુરક્ષા હવે જોખમમાં છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પરંતુ આ ગુનેગારોને ઝડપી પાડવું એ પોલીસ માટે એક મોટો પડકાર છે. આ લૂંટના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને લોકોમાં હાઈવે પર મૂસાફરી કરતા ડર પેદા થયો છે.
આ ઘટનાએ પોલીસની પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાની પોળ ખોલી નાખી છે. હાઈવે પર સઘન ચેકિંગ અને સુરક્ષા વધારવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. લૂંટારૂઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આશા છે કે, પોલીસ ઝડપથી આ લૂંટારૂઓને પકડી પાડી કાયદાના શાસનનું રક્ષણ કરશે.