ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘના મંડાણ ફરીથી એકવાર મંડાયા છે. ત્યારે રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. પ્રદેશના હવામાન વિભાગ દ્વારા 24 કલાકનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં વરસાદનું યલો અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરની વાત કરીએ તો અહીંયા, આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા અમી છાંટણા પણ વરસાવી રહ્યા છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે સેવી છે. આગામી 14 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આ તરફ વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને 12 થી 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે અને 14 ઓગસ્ટથી શરૂ થનારા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી છે.