આપણે સહુ જાણીએ છીએ કે, સાઉદી અરેબિયામાં કાયદા એટલા કડક છે કે, ગુનો કરનાર વ્યક્તિ ક્યારેય બચી શકતો નથી. એમાંય જ્યારે ડ્રગ્સની હેરાફેરી, મર્ડર કે રેપ જેવા ગંભીર ગુનાઓ હોય ત્યારે તો સાઉદી અરેબિયા ગુનો કરનાર વ્યક્તિને ફાંસી આપી દેતા પણ જરાય અચકાતું નથી. ત્યારે આવા જ એક સમાચાર સાઉદી અરેબિયાથી સામે આવી રહ્યા છે. અહીંયા ડ્રગ્સની હેરફેર સાથે જોડાયેલો ગુનો આચરનાર 8 લોકોને એક જ દિવસે ફાંસી આપી દેવામાં આવી છે. આ સમાચાર સાંભળીને વિશ્વ આખું ચોંકી ગયું છે. સાઉદી અરેબિયાની સરકારે આ પગલાને જાહેર વ્યવસ્થા જાળવવા માટે આવશ્યક પગલું ગણાવ્યું છે.
ડ્રગ્સ સામે સાઉદી અરેબિયાનું અભિયાન
જે 8 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો, જેમાં 7 વિદેશી નાગરિકો ડ્રગ હેરફેરના દોષી હતા, જ્યારે એક સાઉદી નાગરિકે તેની માતાની હત્યા કરી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં, ડ્રગ સંબંધિત કેસોમાં 154 સહિત કુલ 230 લોકોને ફાંસી આપવામાં આવી છે. આ આંકડો 2024 ના કુલ 338 ફાંસીના રેકોર્ડને તોડી શકે છે. સાઉદી અરેબિયાએ દેશને ડ્રગ્સના નર્કમાં ડુબતો અટકાવવા માટે વર્ષ 2023 માં ડ્રગ્સ વિરૂદ્ધ એક વિશેષ અભિયાન ચાલુ કર્યું હતું. અને તે અભિયાન અંતર્ગત જ આ કાર્યવાહી કરવામાં આવી છે.
AFP ના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં વર્ષ 2025માં અત્યાર સુધીમાં 230 લોકોને ફાંસી આપવામાં આવી છે. આમાંથી 154 લોકો ડ્રગ્સ સંબંધિત ગુનાઓ માટે દોષિત ઠર્યા હતા. નિષ્ણાતોનું માનવું છે કે 2025 ના અંત સુધીમાં આ સંખ્યા 2024 ના 338 ફાંસીના રેકોર્ડને પણ વટાવી શકે છે. ફાંસીની સજાની સંખ્યામાં આ વધારો 2023 માં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા શરૂ કરાયેલા “ડ્રગ્સ સામે યુદ્ધ” અભિયાનને આભારી છે.